સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની આગાહી
- અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ બનતા
- કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા
- દરિયામાં વાવાઝોડાનું નિર્માણ શરૂ : માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી
નવસારી, તા. 6 ઓક્ટોબર 2018, શનિવાર
અરબી સમુદ્રમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમથી લઈને નવસારી સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તા.૬ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૬ થી ૮ દરમ્યાન માછીમારોેને દરિયામાં નહીં જવા ચેતવણી આપવા સાથે કાંઠા વિસ્તારને એલર્ટ કરાયો છે.
નૈઋત્યુનું રાબેતા મુજબનું ચોમાસું તેના અંતિમ પડાવ પર આવ્યું છે. ત્યારે દક્ષિણ ભારતમાં આવેલાં અરબી સમુદ્રમાં લો-પ્રેશર થવાના કારણે દરિયામાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તેવી આગાહી ચેન્નાઈ વેધશાળાએ વર્તાવી છે. તેમાં જણાવ્યા મુજબ તેની સૌ પ્રથમ અસર દક્ષિણ ગુજરાતમાં થશે.
શનિવારે દરિયામાં આ વાવાઝોડું નિર્માણ શરૂ થયું છે. તે આગળ ધપશે. તેની ચોક્કસ દિશા અને ઝડપ વિશે ત્યારે જ સાચો અંદાજ આવશે. પણ એક વાત ચોક્કસ છે કે આ વાવાઝોડાનું દરિયામાં સર્જન ચોક્કસપણે થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ તા.૬થી તા. ૮ સુધીનાં ત્રણ દિવસ નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડું ફુંકાવાની સંભાવના છે. ત્યારબાદ તા. ૯થી ૧૨ સુધી સુરત જિલ્લાને આ વાવાઝોડું ઘમરોળશે.
એવી આગાહી કરવામાં આવી છે. જેના પગલે સંબંધિત જિલ્લા કલેકટરો દ્વારા જે-તે વિસ્તારમાં સાવચેતીનાં પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય ફીશરીઝ બોર્ડ દ્વારા માછીમારોને આ દિવસો દરમ્યાન દરિયો નહીં ખેડવાની સૂચના જારી કરાઈ છે. તેમજ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી ડિઝાસ્ટાર મામલતદાર એસ.જે.પરમારે જણાવ્યું કે જિલ્લામાં સંબંધિત તમામ વિભાગોને એલર્ટની સૂચના આપવામાં આવી છે.
અરબી સમુદ્રમાં જવલ્લેજ વાવાઝોડું સર્જાય છે
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં જવલ્લેજ સાયક્લોન (વાવાઝોડું) સર્જાય છે. ભારત નજીક મોટાભાગનાં સાયક્લોન પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવે છે. ગત વર્ષે પણ ''ઓખી'' નામનું શક્તિશાળી સાયક્લોન પ. બંગાળની ખાડીમાંથી જ ઉદ્ભવ્યું હતું. જે અતિશય તીવ્ર હતું. તેલંગાણા, આંન્ધ્રપ્રદેશમાંથી પસાર થઈ ગુજરાતમાં સુરત સુધી પહોંચ્યું હતું. ખુબ લાંબા અંતર બાદ તેની તીવ્રતા ઓસરી ગઈ હતી. અને સુરતનાં નજીક દરિયામાં તે સમાઈ ગયું હતું. આથી તેની વિશેષ અસર જોવા મળી ન હતી.
વલસાડના માછીમારોને પરત બોલાવી લેવાયા
આગામી ૪૮ કલાકમાં દક્ષિણ પૂર્વના અરબી સમુદ્રમાં એટલેકે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી થોડા અંદર લોપ્રેશર બની તોફાન આવવાની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે. જેને લઇ દરિયામાં માછીમારી કરવા ગયેલા વલસાડના માછીમારોને પરત બોલાવવા માટે મત્સઉદ્યોગ નિયામક કચેરીને ઉચ્ચ સ્તરેથી મેસેજ મળ્યા છે.