કોરોના વચ્ચે બીલીમોરા દેવધા ડેમ વિસ્તારમાં મોટી સંખ્યામાં તીડ દેખાયા
અંબિકા નદીના પટ વિસ્તારમાં ઝાડ-પાનનો સફાયો ચાલુ આટલી સંખ્યામાં તીડ પ્રથમવાર દેખાયાનો ખેડૂતોનો મત
નવસારી તા-15 જુલાઇ 2020 બુધવાર
નવસારી જિલ્લાના બીલીમોરા નજીકના દેવધા ડેમ વિસ્તારમાં મોટી સંખ્યામાં તીડ (ગ્રાસહોપર) દેખાતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.
ગણદેવી તાલુકામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં તીડ દેખાયા છે અને તે અંબિકા નદી પટ વિસ્તારમાં ઝાડપાનનો સફાયો કરી રહ્યા છે. ખેડૂતોના મતે આ તીડ છે અને આટલી બધી મોટી સંખ્યામાં તીડની હાજરી આ વિસ્તારમાં પહેલી વખત જોવા મળી છે. જોકે આ કયા પ્રકારના તીડ છે તેની પુષ્ટિ તો કૃષિ તજજ્ઞા અને વહીવટી તંત્રના અધિકારીઓની તપાસ બાદ જ ખબર પડશે. દેવધામાં ખેતીવાડી ધરાવતા ખેડૂતો તીડની હાજરીથી ભયભીત બન્યા છે. આ તીડ મોટેભાગે આંકડાના ફૂલને કોરી ખાતા હોય છે, પણ તે સાથે ચીકુના પરિપકવ વૃક્ષના પાનને તો નુકસાન પહોંચાડી રહ્યા છે અને કદાચ તો શાકભાજી અને બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચાડી શકે. જો સમયસર નિયંત્રણ નહીં કરાશે તો હાલમાં ચાલતી કોરોનાની મહામારીમાં આમ પણ બધા પરેશાન જ છે તો વધુ એક તીડની આફત આવે એમ છે.