સલામતીના ભાગરૂપે બીલીમોરાના દેવધા ડેમના 40 પૈકી 20 દરવાજા ખોલી દેવાયા
કેચમેન્ટમાં વરસાદથી પાણીની આવક થતા અને પ્રતિવર્ષની જેમ આગોતરા આયોજનરૂપે કાર્યવાહી
નવસારી, મંગળવાર
બીલીમોરા અંબિકા નદી ઉપરના દેવધા ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસાના પ્રારંભ
સાથે વરસાદ વરસતા પાણીનો આવરો આવ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી
પાણીના પૂર ફરી વળવાની સંભાવના ઉભી થતા અને પ્રતિવર્ષની જેમ સલામતીના ભાગરૃપે
મંગળવારે સવારે ૧ મીટર ઊંચાઈ ધરાવતા ૪૦ પૈકી ૨૦ દરવાજા ખોલી દેવાયા હતા. જેને
કારણે ડેમમાં સંગ્રહીત સેંકડો લીટર મીઠું પાણી દરિયામાં વહી ગયું હતું.
ગણદેવી તાલુકામાં ચોમાસાની શરૃઆત સાથે મોસમનો ૮૧ મિમિ (૩.૨ ઇંચ) વરસાદ વરસ્યો
છે. આ સાથે ઉપરવાસમાં વરસેલા વરસાદના પાણીનો આવરો આવતા અંબિકા નદીની જળ સપાટી
૨.૩૦૦ મીટરથી વધી ૨.૮૧૦ મીટરે પહોંચી ગઇ હતી. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર
સંકટની સંભાવના વધી હતી. દરમિયાન ભારે વરસાદની આગાહી બાદ ગણદેવી તાલુકામાં
નીચાણવાળા ૨૮ ગામોમાં સંભવિત પાણીનો ભરાવો રોકવા આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે.
મંગળવાર સવારે ૧-૧ મીટરની ઊંચાઈ ધરાવતા ડેમના ૪૦ પૈકી ૨૦ દરવાજા ખોલી દેવાયા હતા.
જેથી સંગ્રહીત લાખો લીટર પાણી દરિયામાં વહી ગયું હતું. પરિણામે અંબિકા નદીની જળ
સપાટી ૨.૮૧૦ મીટરથી ઘટી રહી છે. આમ નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડે અને નદી
ગાડીતુર બને તેવી સ્થિતિમાં પુર પ્રકોપ ટાળવા પ્રતિવર્ષ ચોમાસાના આગોતરા આયોજન
મુજબ ડેમના દરવાજા જૂન મહિનામાં ખોલવામાં આવે છે. હાલમાં ડેમમાં ૩૯૫૦ લાખ લિટર
શુદ્ધ પાણીનો સંગ્રહ છે. સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદની સ્થિતિનાં આંકલન બાદ વધુ
૨૦ દરવાજા ખોલવાની તજવીજ હાથ ધરાશે.