યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં થશે પૂછપરછ, તેના પિતાએ કરી ચોંકાવનારી વાત
YouTuber Jyoti Malhotra Case: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. ટીમ સોમવારે જ્યોતિની પૂછપરછ કરવા માટે હિસાર પહોંચી હતી. ત્યારબાદ, તેણીને કસ્ટડીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી ચંદીગઢ લઈ જવામાં આવી હતી. હવે જ્યોતિની આતંકવાદી લિંક્સ અંગે પૂછપરછ કરવામાં આવશે. આ સાથે જમ્મુ ઇન્ટેલિજન્સ પણ યુટ્યુબરની પૂછપરછ કરશે.
18 મેની રાત્રે હિસાર પોલીસ પણ જ્યોતિના ઘરે પહોંચી હતી. ત્યાં તપાસ કર્યા બાદ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ જણાવ્યું છે કે, પોલીસે જ્યોતિના કપડાં અને સામાન છીનવી લીધા છે. હિસાર પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પહેલગામ હુમલા પહેલા જ્યોતિ કાશ્મીરની મુલાકાતે ગઈ હતી. તેણીએ લદ્દાખમાં પહેલગામ, ગુલમર્ગ, દાલ તળાવ, પેંગોંગ તળાવની મુલાકાત લીધી હતી.
જ્યોતિના પિતા તમામ બાબતોથી અજાણ, કહ્યું- અમને દિલ્હીનું જ કહીને જતી હતી
યુટ્યુબર જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ કહ્યું છે કે, તેમને કંઈ ખબર નથી. તેમણે કહ્યું- જ્યોતિ દિલ્હી જઈ રહી છું એમ કહીને જતી રહેતી હતી. તેણે ક્યારેય અમને કાશ્મીર કે પાકિસ્તાન જવા વિશે કંઈ કહ્યું નહીં. 22 એપ્રિલે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો, ત્યારે જ્યોતિએ પાકિસ્તાન કે આતંકવાદીઓને દોષ આપવાને બદલે ભારત તરફથી સુરક્ષા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્યોતિએ 10 દિવસના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પર 10 વીડિયો બનાવ્યા છે.