લખનઉ : ફક્ત 101 રૂપિયાની ઉધારીના ઝઘડામાં જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા

Lucknow Murder: લખનઉના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. માત્ર 101 રૂપિયા માટે એક રિકવરી એજન્ટની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનારા બીજા કોઈ નહીં પણ તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા. મૃતકની ઓળખ 24 વર્ષીય શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે.
ત્રીજો આરોપી હજું પણ ફરાર
શશી પ્રકાશ આંબેડકર નગરનો રહેવાસી હતો અને ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બુધવારે રાત્રે તેનો મૃતદેહ તેના ઘરથી લગભગ 200 મીટર દૂર લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે રવિવારે કેસનો ખુલાસો કરતા બે આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજો આરોપી હજુ પણ ફરાર છે.
ધરપકડ કરાયેલા અખિલેશ કુમાર અને પ્રિન્સ ઉર્ફે અરુણ યાદવે પૂછપરછમાં જણાવ્યું કે પૈસાના લેવડ-દેવડમાં વિવાદ થયો હતો. ત્રીજો આરોપી અંગદ હજુ ફરાર છે. પ્રિન્સ શશીનો રૂમ પાર્ટનર પણ હતો. ચારેય એકબીજાને સારી રીતે જાણતા હતા અને 19 નવેમ્બરની રાત્રે ઈન્દિરાનગર સેક્ટર-8 ચાર રસ્તા પર તેમણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો.
જાણો સમગ્ર મામલો?
ડીસીપી પૂર્વ શશાંક સિંહે જણાવ્યું કે, શશીએ આરોપી અંગદને જૂતા ખરીદવા માટે 800 રૂપિયા ઉધાર આપ્યા હતા, જેમાંથી 101 રૂપિયા હજુ બાકી હતા. પૈસા પરત કરવાના બહાને જ ત્રણેયે શશીને બોલાવ્યો. પૈસાની બાબત પર વિવાદ થયો અને પછી મારપીટ થવા લાગી. આ દરમિયાન કાચનો ટુકડો ઉપાડીને શશીના માથા પર માર્યો જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
આ પણ વાંચો: ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત, ગુજરાતના હોવાની આશંકા
ત્યારબાદ આરોપીઓ રાતોરાત ભાગી ગયા. પૂછપરછમાં જાણવા મળ્યું કે શશીએ જ ત્રણેયને નોકરી અપાવી હતી. અખિલેશ અને પ્રિન્સ તેની અંડરમાં પાર્ટ-ટાઈમ કામ કરતા હતા. ઘટના પછી આરોપીઓ લખનઉ છોડીને ભાગવાની ફિરાકમાં હતા.

