India

બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવતો નવો જાદુઈ ફોન ‘ફ્રેકલ’, ગમ્મત સાથે જ્ઞાન પીરસતા ડમ્બ ફોનના ફીચર્સ જાણીને ચોંકી જશો

By GS Team
18 Oct 20266 mins read
TukuTouch Logo
અમેરિકાના એક સ્ટાર્ટ-અપે 7 થી 13 વર્ષના બાળકો માટે ખાસ 'ફ્રેકલ' નામનો 'ડમ્બ ફોન' બનાવ્યો છે. આ ફોનમાં કોઈ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ નથી. તે બાળકોને રમતો, કેમેરા અને AI ચેટબોટ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપશે. બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડી, તેમને મેદાનમાં રમતા કરવા $199નો આ ફોન ડિસેમ્બરમાં અમેરિકામાં લોન્ચ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવતો નવો જાદુઈ ફોન ‘ફ્રેકલ’, ગમ્મત સાથે જ્ઞાન પીરસતા ડમ્બ ફોનના ફીચર્સ જાણીને ચોંકી જશો
  • ગમ્મત સાથે જ્ઞાન આપતો ‘ફ્રેકલ’ - સ્માર્ટફોનના જમાનામાં બાળકો માટે આવી રહ્યો છે એક અનોખો 'ડમ્બ ફોન'
  • સ્ક્રીન ટાઈમ ઘટાડીને બાળકોને મેદાનમાં રમતા કરશે નવો ‘ડમ્બ ફોન’, જાણો શું છે ‘ફ્રેકલ’ અને શું છે એના ફાયદા

Freckle Dumb Phone Features for Kids : આજના સમયમાં જન્મેલું બાળક રમકડાં પકડતાં પહેલાં મોબાઈલ પકડતાં શીખી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સતત સ્ક્રીન સામે જોતાં રહેવાથી બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. માતા-પિતા માટે આ મોટી ચિંતાનો વિષય છે. હવે આ ચિંતા દૂર કરવા માટે અમેરિકાના એક સ્ટાર્ટ-અપે ખાસ બાળકો માટે એક એવો ફોન બનાવ્યો છે, જેમાં કોઈ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ બ્રાઉઝર નથી. આ ફોનનું નામ છે 'ફ્રેકલ' (Freckle). ચાલો જાણીએ કે આ ફોન બાળકો માટે કેવી રીતે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

ફ્રેકલ ફોન શું છે?
ફ્રેકલ એક એવો ફોન છે જે ખાસ કરીને 7 થી 13 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. સામાન્ય સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા, વેબ બ્રાઉઝર અને એપ સ્ટોર હોય છે જે બાળકોને ફોનનું વ્યસન લગાડે છે. પરંતુ ફ્રેકલમાં આમાંનું કશું જ નથી. તેને બાળકોના નાના હાથમાં બરાબર ફિટ બેસે અને અચાનક હાથમાંથી પડી જાય તો પણ તૂટે નહીં તેટલો મજબૂત બનાવવામાં આવ્યો છે.

ફોનમાં કેવી-કેવી મજેદાર સુવિધાઓ છે?
જો આમાં ઈન્ટરનેટ કે ગેમ્સ નથી, તો બાળકો આ ફોનનો ઉપયોગ કેમ કરશે? આ ફોનમાં કેટલીક એવી ખાસિયતો છે જે બાળકોને ઘરની બહાર નીકળવા મજબૂર કરશે. મુખ્ય ફીચર્સ પર એક નજર નાંખીએ.

  1. ક્વેસ્ટ (Quest) એપ: આ એપ બાળકોને 'સ્કેવેન્જર હન્ટ' (વસ્તુઓ શોધવાની રમત) અને કુદરતી વાતાવરણનું અવલોકન કરવા જેવા મિશન આપે છે. માતા-પિતા પણ બાળકો માટે આવા ટાસ્ક સેટ કરી શકે છે.
  2. ડિસ્કવરી કેમેરા (Discovery Camera) અને ડિજિટલ કલેક્શન: આ ફોનનો કેમેરો માત્ર ફોટા પાડવા માટે નથી, પણ તે એક ઓળખકર્તા (Identifier) તરીકે કામ કરે છે. જ્યારે બાળક કોઈ પક્ષી, જીવજંતુ કે પાંદડા પર કેમેરો ફોકસ કરે છે, ત્યારે કેમેરો તેને ઓળખીને તેનું નામ જણાવે છે. ત્યારબાદ તે ફોટો બાળકના ડિજિટલ કલેક્શનમાં સેવ થઈ જાય છે. એ રીતે બાળકોના જ્ઞાનમાં વધારો થાય છે.
  3. AI ચેટબોટ ‘Why Chat’: બાળકોના મનમાં ઉદ્ભવતા ‘આ કેવી રીતે કામ કરે છે?’ જેવા સવાલોના જવાબ આપવા માટે તેમાં ‘Why Chat’ નામનો AI ચેટબોટ છે. જો સવાલ ખૂબ અઘરો હોય કે માહિતી આપવા યોગ્ય ન હોય, તો આ સિસ્ટમ તે પ્રશ્ન માતા-પિતા તરફ વાળી દે છે. વાલીઓ ઈચ્છે તો સેટિંગ્સમાંથી આ AI ચેટબોટને સંપૂર્ણપણે બંધ પણ કરી શકે છે.
  4. ઓન-સ્ક્રીન કેરેક્ટર અને 'આર્ટિફેક્ટ્સ' (Artifacts):ફોનની સ્ક્રીન પર એક નાનકડું એનિમેટેડ કેરેક્ટર જોવા મળે છે, જેણે એક 'બેકપેક' (Backpack) પહેરેલું હોય છે. બાળક બહાર ફરીને જે પણ ફોટા પાડે, નવી જગ્યાઓ જુએ કે બેજ (Badges) જીતે, તે બધું આ કેરેક્ટરના બેકપેકમાં 'આર્ટિફેક્ટ્સ' તરીકે જમા થાય છે. માતા-પિતા પણ પોતાની એપમાં જોઈ શકે છે કે બાળકે આજે શું નવું શોધ્યું.
  5. પેરેન્ટ-એપ્રૂવ્ડ કોન્ટેક્ટ્સ (ફક્ત મંજૂર કરેલા નંબરો): આ ફોનમાં અજાણ્યા લોકોના ફોન કે મેસેજ આવી શકતા નથી. બાળકો માત્ર એ જ લોકોને કોલ કે ટેક્સ્ટ કરી શકે છે જેમના નંબર માતા-પિતાએ અગાઉથી મંજૂર (Approve) કર્યા હોય.
  6. ટેપ-ટુ-પેર વોકી-ટોકી (Tap-to-Pair): વોકી-ટોકી મોડનો ઉપયોગ કરવા માટે કોઈ જટિલ સેટિંગ કરવાની જરૂર નથી. જ્યારે બે બાળકો તેમના 'ફ્રેકલ' ફોનને એકબીજા સાથે અડાડે (Tap કરે) છે, ત્યારે તે આપમેળે કનેક્ટ થઈ જાય છે અને વોકી-ટોકીની જેમ કામ કરવા લાગે છે.
  7. ટેપ-ટુ-પે (Freckle Pay) લિમિટ સાથે: તેમાં અગાઉથી લોડ કરેલા ક્રેડિટ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા પણ છે, જેથી બાળક પડોશની દુકાનેથી નાસ્તો લેવા કે બસની મુસાફરી કરવા માટે તેનો ઉપયોગ કરી શકે. માતા-પિતા ખર્ચ કરવાની મર્યાદા (Spending Limits) નક્કી કરી શકે છે અને બાળકે ક્યાં પૈસા વાપર્યા તેનું ટ્રાન્ઝેક્શન લિસ્ટ પણ જોઈ શકે છે.
  8. ચોરસ ડિઝાઇન (Square Design) અને પોતાનું નેટવર્ક: સામાન્ય લંબચોરસ સ્માર્ટફોન કરતા અલગ આ ફોન દેખાવમાં 'ચોરસ' (Square) આકારનો છે અને તેમાં ફિઝિકલ બટન્સ પણ આપવામાં આવ્યા છે. આ ફોન ફ્રેકલના પોતાના 5G નેટવર્ક પર ચાલે છે, જેના માટે દર મહિને સબસ્ક્રિપ્શન લેવું પડે છે.
  9. અન્ય ફીચર્સ: એક સાદું મ્યુઝિક પ્લેયર, વાર્તાઓ રચવા માટેની ખાસ એપ અને બાળકો સમજી શકે તેવા નકશા (Maps) પણ આ ફોનમાં છે.

બાળકો માટે ઉપયોગી તોય નામ ‘ડમ્બ' શા માટે?
સ્માર્ટ ફોનમાં અનેક પ્રકારની સુવિધાઓ હોય છે, જ્યારે કે ‘ફ્રેકલ’ સામાન્ય ફીચર્સ ધરાવતો ફોન છે, તેથી તેને ‘ડમ્બ ફોન’ તરીકેની ઓળખ મળી છે. ડમ્બનો અર્થ ‘મૂર્ખ’ કે ‘બુદ્ધિ વગરનું’ થાય છે, પણ આ ફોન બાળકોને અલગ પ્રકારે જ્ઞાન પીરસતો હોવાથી અહીં ‘ડમ્બ’ શબ્દ હકારાત્મક રીતે લેવાનો છે.

આવો ફોન બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?
આ ફોન સેમ ટેરિસ (Sam Terris) નામના વ્યક્તિના મગજની ઉપજ છે, જેમણે અગાઉ 'સિમ્યુલેટ' નામની ફૂડ કંપની બનાવી હતી. તાજેતરમાં જ પિતા બનેલા સેમને વિચાર આવ્યો કે, તેમના બાળપણમાં તેઓ મિત્રો સાથે કલાકો સુધી ઘરની બહાર રમતા હતા. કંટાળો આવતો ત્યારે નવી રમતો જાતે શોધી કાઢતા હતા. તે પોતાના બાળકને પણ આવું જ બાળપણ આપવા માંગતા હતા. એમાંથી ફ્રેકલનો જન્મ થયો.
આ પ્રોજેક્ટને રેડિટ (Reddit) ના સહ-સ્થાપક અને ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સના પતિ એલેક્સિસ ઓહાનિયનની કંપની સેવન સેવન સિક્સ (Seven Seven Six) નું સમર્થન પણ મળેલું છે.

માતા-પિતા માટે સુરક્ષા અને ગોપનીયતા (Privacy)
આ ફોન બાળકોને સ્વતંત્રતા તો આપે છે, પણ માતા-પિતાના નિયંત્રણ સાથે.

  • જો બાળક માતા-પિતાએ નક્કી કરેલા ‘સેફ ઝોન’ (સુરક્ષિત વિસ્તાર) ની બહાર જાય, તો માતા-પિતાના મોબાઇલ કે અન્ય ડિજિટલ ડિવાઇસમાં તરત જ એલર્ટ મળી જાય છે.
  • જો બાળક મેસેજમાં ‘ગુંડાગીરી’ (Bullying) જેવા કોઈ સંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરે, તો વાલીઓને તેની જાણ કરવામાં આવે છે, પરંતુ બાળકની પ્રાઈવસી જાળવવા માટે તેમને આખી ચેટ હિસ્ટ્રી બતાવવામાં આવતી નથી.
  • કંપનીએ એ પણ વચન આપ્યું છે કે તે યુઝરનો ડેટા ક્યારેય વેચશે નહીં કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને તાલીમ આપવા માટે તેનો ઉપયોગ કરશે નહીં.

શા માટે 'ડમ્બ ફોન' સમયની માંગ છે?
આજે માત્ર બાળકો જ નહીં, પણ મોટી વયના લોકો પણ સ્માર્ટફોનથી કંટાળીને 'ડમ્બ ફોન' તરફ વળી રહ્યા છે. આને 'ડિજિટલ ડિટોક્સ' કહેવાય છે. એટલે કે ડિજિટલ વિશ્વથી જાતને મુક્ત કરવાની પ્રક્રિયા.
• 2025 ના એક વૈશ્વિક અભ્યાસ મુજબ, જે બાળકોને 13 વર્ષની ઉંમર પહેલાં સ્માર્ટફોન મળી જાય છે તેમને મોટા થઈને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
• 'પીડિયાટ્રિક્સ' (Pediatrics) જર્નલના અભ્યાસ મુજબ, 12 વર્ષ કે તેથી નાની ઉંમરે સ્માર્ટફોન વાપરનારા બાળકોમાં ડિપ્રેશન, પૂરતી ઊંઘ ન આવવી અને મેદસ્વીપણું (Obesity) નું જોખમ વધુ જોવા મળે છે.
• સેમ ટેરિસ ફ્રેકલ ફોનને યુરોપિયન સંસ્કૃતિ સાથે સરખાવે છે, જ્યાં માતા-પિતા બાળકોને ભોજન સાથે થોડી વાઇન આપે છે, જેથી તેઓ જવાબદારીપૂર્વક પીતા શીખે. તેવી જ રીતે, આ ફોન બાળકોને ભવિષ્યમાં સ્માર્ટફોનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપે છે.

કિંમત કેટલી છે? માર્કેટમાં ક્યારે આવશે?
'ફ્રેકલ' ફોન બાળકો માટે એક આશીર્વાદ સમાન છે. આ ફોન આગામી ડિસેમ્બર મહિનામાં અમેરિકામાં લોન્ચ થવા જઈ રહ્યો છે અને તેનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ડિવાઇસની કિંમત $199 (આશરે રૂ. 18,888) રાખવામાં આવી છે. અમેરિકામાં આ ફોનની સફળતા જોયા પછી જ કંપની તેને અન્ય દેશોમાં લોન્ચ કરવાનો નિર્ણય લેશે.