VIDEO: 'બાબા દિલ્હી ચાલ્યા જાય, કેશવ પ્રસાદ મૌર્ય યુપી સંભાળે', ભાજપ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન
Uttar Pradesh Politics: ઉત્તરપ્રદેશની રાજનીતિમાં ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશનું મોટું નિવેદન સામે આવ્યું છે. હરદોઈ જિલ્લાના ગોપામઉ બેઠકથી ભાજપ ધારાસભ્ય શ્યામ પ્રકાશે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે બાબા (મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ) દિલ્હી ચાલ્યા જાય અને કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તરપ્રદેશ સંભાળે.
થોડા દિવસ પહેલા ગાઝિયાબાદની લોની બેઠકથી ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર દ્વારા આપવામાં આવેલા નિવેદનોના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર નવી અટકળોએ જોર પકડ્યું છે. ઉત્તરપ્રદેશમાં આમ પણ કેશવ પ્રસાદ મૌર્યના સમર્થક સતત તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શનિવારે સમ્રાટ અશોકની જયંતિના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે હરદોઈ પહોંચ્યા હતા. જ્યાં ભાજપ ધારાસભ્ય શ્યામ પ્રકાશે આ નિવેદન આપ્યું. ધારાસભ્યના કહેવાનો સીધો મતલબ એ જ હતો કે, કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બને. તેમની આ વાત પર સ્ટેજ પર હાજર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ખુબ તાળીઓ વગાડી હતી.
ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, 'કેશવ પ્રસાદ મૌર્ય સમાજના નેતા નહીં પરંતુ તેઓ સમગ્ર પ્રદેશ અને દેશના નેતા છે અને લાખો લોકોના દિલ પર રાજ કરનારા નેતા છે. મારા મનમાં એક વાત આવે છે અને લોકો મંજૂરી આપે તો કહી દઉં. હું તો ઈચ્છું છું કે બાબા દિલ્હી ચાલ્યા જાય અને કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તરપ્રદેશ સંભાળે. તેમના મનમાં જે આવે છે તે પૂરુ થાય છે અને એવો એક દિવસ જરૂર આવશે જ્યારે ઇતિહાસ તેનો સાક્ષી બનશે.'