'અબુ આઝમીને મોકલો યુપી, ઈલાજ કરી દઈએ...' ઔરંગઝૈબ વિવાદમાં યોગીનું નિવેદન
Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી દુનિયા યાદ રાખશે.' વિપક્ષ પર પ્રહાર કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે, 'અમુક પાર્ટીઓ આનાથી સંમત નથી અને મહાકુંભને લઈને ખોટી અફવાઓ ફેલાવી રહી હતી. તેમ છતાં લોકોની આસ્થા ડગી નહીં. દેશ-વિદેશથી આવનારા લોકોએ મહાકુંભના ખુલ્લા દિલથી વખાણ કર્યા છે.'
સનાતનની સામાજિક શિસ્તની પ્રશંસા થઈ રહી છેઃ યોગી
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, '45 દિવસના આયોજનમાં મહાકુંભની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. આ મહાકુંભમાં એક પણ લૂટની ઘટના નથી બની. કોઈ અપહરણ નથી થયું. આ સનાતનના સામાજિક શિસ્તનો પ્રભાવ છે. જે કહે છે કે, અહીં જાતિવાદ અને ક્ષેત્રવાદની કોઈ જગ્યા નથી.'
આ પણ વાંચોઃ અબુ આઝમીને 'ઔરંગઝૈબ' અંગેની ટિપ્પણી ભારે પડી, મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા
અબુ આઝમીને યુપી મોકલો, સારવાર કરી દઇશું
સપા નેતાના ઔરંગઝેબ વિવાદ પર મુખ્યમંત્રીએ કહ્યું કે, 'સપા એને આદર્શ માને છે, જે ભારતના લોકો પર ઝઝિયા લગાવતો હતો. સપા ધારાસભ્ય અબુ આઝમીને યુપી મોકલી દો, તેમની સારવાર કરી દઇશું. અહીં મોટાં-મોટાં ગુંડાઓને ઠીક કરી દીધાં છે. આ પ્રદેશમાં પહેલાં માફિયાઓ દોડતા હતાં, પોલીસ ભાગતી હતી. માફિયાને પોલીસ સલામ કરતી હતી. પરંતુ, હવે કાયદો અને વ્યવસ્થાના મામલે પ્રદેશે પોતાનો વિચાર બદલ્યો છે. આજે દેશ અને દુનિયાના લોકો પ્રદેશવાસીઓને બહુ સન્માનની દ્રષ્ટિએ જુએ છે.'
ઔરંગઝેબને લઈને કરી હતી ટિપ્પણી
જણાવી દઈએ કે, ઔરંગઝેબ પર ટિપ્પણી કરવું મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને ખૂબ મોંઘુ પડ્યું હતું. અબુ આઝમીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. તેમણે ઔરંગઝેબને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ઔરંગઝેબને કુશળ પ્રશાસક જણાવ્યો હતો અને કહ્યું કે, ઔરંગઝેબે મંદિરોની સાથે-સાથે મસ્જિદોને પણ નષ્ટ કરવાનું કામ કર્યું હતું.
સપા ધારાસભ્યએ માંગી માફી
અબુ આઝમીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'જો મારી વાતથી કોઈને ખોટું લાગ્યું તો હું પોતાનું નિવેદન પરત લઉં છું. વિધાનસભાનું કામ રોકાવું ન જોઈએ. મારી વાતને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી છે. એવું લાગે છે કે, મારી વાતોથી તોફાન આવી ગયું છે. ભલે છત્રપતિ શિવાજી મહારાજ હોય, છત્રપતિ સંભાજી મહારાજ હોય, ડૉ. ભીમરાવ આંબેડકર હોય અથવા જ્યોતિરાવ ફૂલે હું તમામનું સન્માન કરૂ છું.'