પદ્મશ્રી સન્માનિત 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ
Baba Sivanand Died At 128 Years: વારાણસીમાં 128 વર્ષીય યોગ ગુરૂ બાબા શિવાનંદનું શનિવારે રાત્રે 8.45 વાગ્યે નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ BHUમાં દાખલ હતા. બાબા શિવાનંદે પોતાનું આખુ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. સાદુ જીવન અને બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. તેમને 21 માર્ચ, 2022ના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થનારા લોકોમાં તેઓ સૌથી વરિષ્ઠ વ્યક્તિ હતાં.
બાબા શિવાનંદના અંતિમ સંસ્કાર વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ પર કરવામાં આવ્યા હતાં. તેઓ વારાણસીના ભેલુપુરમાં દુર્ગાકુંડ વિસ્તારમાં રહેતાં હતાં. ત્યાં જ તેમનો આશ્રમ હતો. બાબા શિવાનંદનો જન્મ 8 ઓગસ્ટ, 1896ના રોજ પશ્ચિમ બંગાળની શ્રીહટ્ટીમાં એક ભિક્ષુક બ્રાહ્મણ ગોસ્વામી પરિવારમાં થયો હતો. આ સ્થળ હાલ બાંગ્લાદેશમાં સ્થિત છે. તેમના માતા-પિતા ભીક્ષા માગી ગુજરાન ચલાવતા હતાં. ચાર વર્ષની વયે તેમના માતા-પિતાએ શિવાનંદ બાબાને નવદ્વીપ સ્થિત બાબા ઓમકારનંદ ગોસ્વામીને સોંપ્યા હતાં.
ગુરૂના સાનિધ્યમાં આધ્યાત્મિક શિક્ષણ લીધું
શિવાનંદ બાબા છ વર્ષના હતા, ત્યારે તેમના માતા-પિતા અને બહેનનું ભૂખના કારણે નિધન થયુ હતું. ત્યારબાદ તેઓએ પોતાના ગુરૂના સાનિધ્યમાં આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું હતું. ગુરૂની પ્રેરણાથી તેઓ જીવનપર્યત બ્રહ્મચર્ય રહ્યાં. જીવનકાળ દરમિયાન તેઓ યોગ સાધનામાં લીપ્ત રહેતા હતા. સાદુ ભોજન અને યોગીઓ જેવી જીવનશૈલીનું અનુસરણ કરતાં શિવાનંદ પોતાનો ભારતના નાગરિક હોવાનો અધિકાર ક્યારેય ભૂલતા ન હતાં. તેઓ વારાણસીમાં ચૂંટણી દરમિયાન અવશ્ય મત આપતા હતાં.
સાદગીનો પર્યાય હતા બાબા શિવાનંદ
128 વર્ષીય બાબા શિવાનંદ ઉંમર હોવા છતાં કઠિનથી કઠિન યોગાસન કરતાં હતાં. તેઓ શિવભક્ત હતાં. બાબા શિવાનંદ રોજે વહેલી પરોઢે ચાર વાગ્યે ઉઠી જતાં હતાં. ત્યારબાદ સ્નાન કરી ધ્યાન અને યોગમાં વ્યસ્ત રહેતા હતાં. ઈશ્વરની કૃપાથી તેમને કોઈ મોહ-માયા ન હતી. ક્યારેય પણ શાળાનું પગથિયું ન ચડેલા બાબા શિવાનંદ સારૂ એવુ અંગ્રેજી પણ બોલતાં હતાં. બાબા શિવાનંદને જ્યારે 21 માર્ચ, 2022માં પદ્મશ્રી એવોર્ડ લેવા બોલાવવામાં આવ્યા, ત્યારે તેઓ ઉઘાડા પગે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન આવ્યા હતાં. વડાપ્રધાન મોદીનો તેમણે ઘૂંટણીયે પડીને આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે વડાપ્રધાન પણ તુરંત પોતાની ખુરશી છોડી તેમના સન્માનમાં ઝૂક્યા હતા.