ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચે છે યાસીન મલિકની પાકિસ્તાની પત્ની મુશાલ, આ રીતે થયો ખુલાસો
- ટ્વિટર એકાઉન્ટ પર મુશાલ મલિક પોતાની જાતને પ્રાઉડ વાઈફ ઓફ યાસીન મલિક તરીકે ઓળખાવે છે
નવી દિલ્હી, તા. 13 માર્ચ 2022, રવિવાર
પાકિસ્તાનના ભારત વિરૂદ્ધના વધુ એક ષડયંત્રનો ખુલાસો થયો છે. તેમાં ખોટી સૂચનાઓ દ્વારા ભારત વિરૂદ્ધ દુષ્પ્રચાર, કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મુદ્દાઓ દ્વારા પાકિસ્તાને ભારત વિરૂદ્ધ પ્રોક્સી વોર શરૂ કરી દીધું છે. તેમાં કાશ્મીરી અલગાવવાદી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકની સક્રિય ભૂમિકા છે.
ફેક્ટ ચેકરનો દાવો
આ પ્રકારના દુષ્પ્રચારો દ્વારા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની છબિ ધૂમિલ કરવાનો ઈરાદો ધરાવે છે. દિલ્હી સ્થિત એક ફેક્ટ ચેકિંગ સંગઠને પાકિસ્તાનના આ ષડયંત્રમાં યાસીન મલિકની પત્ની સામેલ હોવાનો દાવો કર્યો છે. ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટર (ડી-ફ્રૈક) નામના આ સંગઠનના કહેવા પ્રમાણે પાકિસ્તાનના અનેક પ્રખ્યાત લોકોના નામથી બનેલા એકાઉન્ટ્સ દ્વારા ભારતની છબિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ફેક્ટ ચેકરના મતે આ તમામ એકાઉન્ટ્સ દ્વારા જમ્મુ કાશ્મીરના ભારતીય અલ્પસંખ્યકો પર થઈ રહેલા ઉત્પીડનની વાતો કહેવામાં આવે છે. તેના દ્વારા ભારત અને પાકિસ્તાનની મુસ્લિમ વસ્તીને ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ટ્વિટર પર ફેલાવી રહી છે નફરત
જાણવા મળ્યા મુજબ મુશાલ મલિકના ટ્વિટર એકાઉન્ટના આશરે 80 હજાર ફોલોઅર્સ છે. તેમાં મોટા ભાગના પાકિસ્તાની ફોલોઅર્સ છે. ટ્વિટર એકાઉન્ટ પર મુશાલ મલિક પોતાની જાતને પ્રાઉડ વાઈફ ઓફ યાસીન મલિક તરીકે ઓળખાવે છે. એટલું જ નહીં, તે કાશ્મીરી અલગાવવાદીઓને હીરો કહે છે. આ એકાઉન્ટ પર પોસ્ટ્સ મુકીને મુશાલ મલિક દુનિયાનો એવો વિશ્વાસ અપાવવા પ્રયત્ન કરી રહી છે કે, કાશ્મીરમાં મુસલમાનોની કતલ અને ઉત્પીડન થઈ રહ્યું છે. પોતાની ટ્વિટ્સ અને પોસ્ટ કરવામાં આવેલા વીડિયોઝમાં તે કાશ્મીરી મુસ્લિમોના ઉત્પીડન માટે ભારતને સતત દોષી ઠેરવે છે. રિપોર્ટ પ્રમાણે મુશાલ પોતાની ટ્વિટમાં સતત UN સાથે સંકળાયેલા સંગઠનોને ટેગ કરતી રહે છે. તે એમને સતત એવું બતાવે છે કે, ભારત પોતાની મુસ્લિમ વસ્તી સાથે કેટલો ખરાબ વ્યવહાર કરે છે. સાથે જ તેના કહેવા પ્રમાણે આ લોકો પાકિસ્તાન સાથે જોડાઈને આનંદ અનુભવશે.
અલગાવવાદીઓ માટે બેલ પિટીશનની માગ
એટલું જ નહીં, મુશાલ પોતાના ટ્વિટર પર પોતાના પતિ યાસીન મલિક ઉપરાંત ટેરર ફન્ડિંગ અને ષડયંત્ર રચવાના આરોપસર જેલમાં બંધ અલગાવવાદીઓ માટે બેલ પિટીશનની માગણી કરી રહી છે. તે હંમેશા કાશ્મીરી મહિલાઓના ફોટોનો એવું દેખાડવા માટે ઉપયોગ કરે છે કે, ભારતીય સેના તેમને કઈ હદે પરેશાન કરે છે. આ તરફ ભારત બંને વચ્ચેના સારા સંબંધો માટે સતત પ્રયત્નશીલ રહે છે.