દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા
- 1963 બાદ પાંચમી વખત યમુનાએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ કફોડી
- દિલ્હીના સૌથી જૂના સ્મશાન નિગમબોધ ઘાટ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, ટ્રાફિકને લઇને પોલીસનું એલર્ટ
- પંજાબમાં સાતમી સુધી શાળા-કોલેજો બંધ, જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ, અખનૂરમાં પૂરમાં 40 ફસાયા, બેના મોત
- છત્તીસગઢના બલરામપુરમાં ડેમ તૂટી પડતા એક જ પરિવારના છ સહિત સાતના મોતની શંકા, ત્રણ મૃતદેહ મળ્યા
- ઓગસ્ટમાં ઉત્તરના અનેક રાજ્યો આભ ફાટવા, ભુસ્ખલન, પૂરનો ભોગ બન્યા, નદીઓ ગાંડીતુર બની
નવી દિલ્હી : ઓગસ્ટ મહિનામાં ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું, જેને પગલે જમ્મુ કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જાઇ છે. જેની લપેટમાં પાકિસ્તાનનું પંજાબ અને સિંધ પ્રાંત પણ આવી ગયા હતા. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડ, વાદળ ફાટવા, ભૂસ્ખલન જેવી ઘટનાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. રાજધાની દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડયો હતો. યમુના નદીએ ૧૯૬૩થી અત્યાર સુધી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરીવળ્યા હતા. દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી ગયા હતા, લોકોની સુવિધા માટે રાહત કેમ્પ તૈયાર કરાયા હતા જોકે આ કેમ્પોમાં પણ નદીના પાણી ઘૂસી ગયા હતા. જે લોકોને આ કેમ્પમાં રખાયા હતા તેમને હવે અન્ય સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીમાં પૂરને કારણે કેન્દ્રીય જળ આયોગ (સીડબલ્યુસી)એ બુધવારે નવી એડવાઇઝરી જારી કરી છે, આયોગે ચેતવણી આપી છે કે યમુનાનું જળ સ્તર બુધવારે રાત્રે ૨૦૭.૪૦ મીટર સુધી પહોંચી શકે છે જે ભયજનક સપાટીથી ઉપર છે. છેલ્લે ૨૦૨૩માં યમુનાનું સ્તર ૨૦૮.૬૬ મીટરને પાર પહોંચ્યું હતું. દિલ્હીના સૌથી જુના સ્મશાન મેદાન નિગમબોધ ઘાટમાં પણ નદીના પાણી ઘૂસી ગયા હતા.
બીજી તરફ સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિકને લઇને એલર્ટ જારી કર્યું છે. અનેક વિસ્તારોમાં ડાયવર્ઝન અપાયું છે. ઉપરના રાજ્યોમાં ભારે વરસાદને પગલે યમુના નદી ભયજનક સપાટી પાર કરી ચુકી છે. હવામાન વિભાગે હજુ બે દિવસ માટે ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી ઉપરાંત પંજાબ પણ પાણી પાણી થઇ ગયું છે. પંજાબે ૧૯૯૮માં આવેલા ભયાનક પૂરની યાદો તાજી કરી હતી, સિંધુ જળ સિસ્ટમની નદીઓએ ભયજનક સપાટી પાર કરી લેતા પંજાબના મોટાભાગના ગામડામાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પંજાબમાં તમામ સ્કૂલ-કોલેજોને ૭ સપ્ટેમ્બર સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જ્યારે છત્તીસગઢના બલરામપુરમાં એક ડેમ તૂટી પડવાને કારણે પૂર આવ્યું હતું જેમાં એક જ પરિવારના છ લોકો સહિત સાતના મોત નિપજ્યાની શંકા છે. પોલીસે હજુસુધી ત્રણ મૃતદેહો મેળવી લીધા છે. અન્યોની શોધખોળ ચાલી રહી છે. રાજસ્થાનમાં પણ ભારે વરસાદને પગલે કોટા અને જયપુરમાં પૂર આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પણ બુધવારે ભારે વરસાદ પડયો હતો, જેને પગલે એક મહિલા અને તેની પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે અખનૂરમાં પૂરમાં ૪૦ લોકો ફસાયા હતા જેને બાદમાં બીએસએફ દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. આ હાઇવે પર અનેક સ્થળે ભુસ્ખલનને કારણે તેને બંધ કરવો પડયો હતો.