Get The App

World Radio Day: એ જમાનામાં રેડિયો સાંભળવા માટે પણ લેવું પડતું લાયસન્સ, જાણો રસપ્રદ વાત

આજે વિશ્વ રેડિયો દિવસ છે

હાલના જમાનામાં ટીવી અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી રહ્યો

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
World Radio Day: એ જમાનામાં રેડિયો સાંભળવા માટે પણ લેવું પડતું લાયસન્સ, જાણો રસપ્રદ વાત 1 - image


World Radio Day: અત્યારના આાધુનિક જમાનામાં ટીવી, મોબાઇલ, ટેબલેટ સહિત અનેક પ્રકારના મનોરંજનના સાધનો છે. પરંતુ એક જેવો જમાનો હતો જ્યારે મનોરંજન માટે એક માત્ર સાધન રેડીયો જ હતો. પહેલાના સમયમાં મનોરંજન અને આકાશવાણી માટે રેડીયો સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો. વાસ્તવમાં, રેડિયો એ જનસંચારનું એકમાત્ર માધ્યમ છે. 29 સપ્ટેમ્બર 2011 ના રોજ, દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. તો આજે રેડિયોના ઈતિહાસ અને વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનું કારણ ઉપરાંત એક વધુ રસપ્રદ વાત જાણીશું. શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે રેડિયો સાંભળવા માટે પણ લાઇસન્સ લેવું પડતું હતું?

રેડિયો સંભાળવા માટે લાઇસન્સ

પહેલાના જમાનામાં રેડિયો હોવો એ લક્ઝરી લાઈફની નિશાની હતી. જેના ઘરે રેડિયો હોય એ વ્યક્તિ મોટો માણસ ગણાતો. 1960 થી 70 ના દાયકા સુધી રેડિયો સાંભળવા માટે લાયસન્સ બનાવવામાં આવતું હતું. તેમજ આ લાયસન્સ સમયસર પોસ્ટઓફીસે રિન્યુ પણ કરવવાનું રહેતું હતું. જો તે સમયસર રિન્યુ ન કરવવામાં આવે તો દંડ પણ થતો. તેમજ આ લાઇસન્સ ડોમેસ્ટિક અને કોમર્શિયલ એમ પ્રકારનું રહેતું. જો ઘરે બેસીને રેડિયોનો આનંદ માણવો હોય તો ડોમેસ્ટિક લાઈસન્સ અને જો સામુહિક રીતે કાર્યક્રમો સંભાળવા હોય તો કોમર્શિયલ લાઈસન્સ બનાવવાનું રહેતું. 

લાયસન્સ વિના રેડિયો સાંભળવો એ ગુનો હતો 

જો લાયસન્સ લીધા વિના રેડિયો સાંભળવો હોય તો તે ગુના ગણાતો હતો. વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933 હેઠળ આરોપીઓને સજા કરવાની જોગવાઈ પણ હતી. જો કે, ધીમે ધીમે મનોરંજનના અન્ય માધ્યમોમાં વધારો અને ટીવીના આગમન સાથે, રેડિયોના અસ્તિત્વને બચાવવા માટે સરકારે રેડિયો લાયસન્સનો નિયમ નાબૂદ કર્યો  હતો.

કેટલી ચૂકવવી પડતી હતી ફી?

1960 ના દાયકામાં, લોકોને બ્રોડકાસ્ટ રીસીવર્સ લાઇસન્સ (BRL) મેળવવા માટે દર વર્ષે 10 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી. ત્યારબાદ વર્ષ 1970 માં આ ફી વધારીને રૂ. 15 કરવામાં આવી હતી. 

વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ

13 ફેબ્રુઆરી 1946ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. જેથી સ્પેનિશ રેડિયો એકેડમીએ સૌપ્રથમ 2010માં 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, તેને વર્ષ 2011 માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને તેને 2012 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ પ્રસ્તાવ અપનાવવામાં આવ્યો હતો. ત્યારથી, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીએ 'વિશ્વ રેડિયો દિવસ' ઉજવવામાં આવે છે.

ભારતમાં રેડિયો

1923 ની આસપાસ, રેડિયોનો અવાજ ભારતમાં પણ ગુંજવા લાગ્યો. ઈમ્પીરીયલ રેડિયો ઓફ ઈન્ડિયાની શરૂઆત 1936 માં ભારતની ગુલામ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આઝાદ પછી આ સંસ્થા ઓલ ઈન્ડિયા રેડિયો તરીકે જાણીતી થઈ. સ્વતંત્રતા સમયે એટલે કે 1947 માં ઓલ ઈન્ડિયા રેડિયોના છ રેડિયો સ્ટેશન હતા. તેમજ તેની પહોંચ 11 ટકા લોકો સુધી જ હતી અને હાલ આકાશવાણી પાસે 223 રેડિયો સ્ટેશન તેમજ તેની પહોંચ 99.1 ટકા છે. ઓલ ઈન્ડિયા રેડિયો દેશના દૂરના વિસ્તારોમાં 23 ભાષાઓ અને 14 બોલીઓમાં રેડિયોનું પ્રસારણ કરે છે.

World Radio Day: એ જમાનામાં રેડિયો સાંભળવા માટે પણ લેવું પડતું લાયસન્સ, જાણો રસપ્રદ વાત 2 - image


Google NewsGoogle News