Get The App

World Ocean Day 2020 : જાણો, આ દિવસનું મહત્ત્વ અને ઇતિહાસ

- આ વર્ષની થીમ : Innovation for a Sustainable Ocean

- દર વર્ષે 8 જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે

Updated: Jun 8th, 2020

GS TEAM

Google News
Google News
World Ocean Day 2020 : જાણો, આ દિવસનું મહત્ત્વ અને ઇતિહાસ 1 - image

નવી દિલ્હી, તા. 08 જૂન 2020, સોમવાર 

પૃથ્વીના બે તૃતિયાંશ ભાગમાં પાણી હોવાછતાં અહીં શુદ્ધ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે. વાયુ અને જળ જ પૃથ્વી પર જીવનનો આધાર છે. સમુદ્રથી ઘેરાયા હોવાને કારણે પૃથ્વીને વોટર પ્લેનેટ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે તેનું અસ્તિત્વ જોખમમાં છે. તેને ધ્યાનમાં રાખતા મહાસાગરનું મહત્ત્વ, તેમાં વધી રહેલા પ્રદૂષણ, તેનું જોખમ અને સમુદ્રના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃકતા ફેલાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) એટલે કે વિશ્વ સમુદ્ર દિવસ મનાવવામાં આવે છે. 

કેવી રીતે થઇ આ દિવસની શરૂઆત?

વિશ્વ મહાસાગર દિવસ મહાસાગરો પ્રત્યે સન્માન દાખવવા, તેમના મહત્ત્વને જાણવા અને તેના સંરક્ષણ માટે જરૂરી પગલા લેવાની તક આપે છે. કેનેડા સરકારે વર્ષ 1992માં રિયો ડી જનેરિયોમાં આયોજિત પૃથ્વી સંમેલન દરમિયાન વિશ્વ મહાસાગર દિવસની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ સંયુક્તે રાષ્ટ્રે ડિસેમ્બર વર્ષ 2008માં 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસને સત્તાવાર રીતે મનાવવાની માન્યતા આપી હતી. ત્યારથી દર વર્ષે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે.  

કેમ મનાવવામાં આવે છે આ દિવસ? 

દર વર્ષે આ દિવસ મનાવવા પાછળનો હેતુ મહાસાગરના મહત્ત્વથી લોકોને વાકેફ કરાવવાનું છે કે કેવી રીતે મહાસાગર ખાદ્ય સુરક્ષા, જૈવ વિવિધતા, પરિસ્થિતિ સંતુલન જેવી ચીજવસ્તુઓમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. દેશોના વિકાસ સાથે જ મહાસાગરોનું પ્રદૂષણ પણ ઝડપથી વધી રહ્યું છે. મહાસાગરોમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે મહાસાગર ધીમે-ધીમે ગંદા થઇ રહ્યા છે. તેનાથી દરયાઇ જીવોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તેઓ ભૂલથી પ્લાસ્ટિકને પોતાનું ભોજન સમજી લે છે જે તેમના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જે ખુબ જ દુખદ છે. 

વિશ્વ મહાસાગર દિવસનું મહત્ત્વ 

દુનિયાની લગભગ 30 ટકા વસતી દરિયા કિનારાના વિસ્તારમાં રહે છે અને તેમનું જનજીવન સમગ્રપણે સમુદ્ર પર નિર્ભર છે. આ ઉપરાંત વિશ્વના કેટલાય દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ પ્રદાન કરવામાં મહાસાગરનું મોટું યોગદાન હોય છે. વિશાળ મહાસાગરથી પેટ્રોલિયમની સાથે જે અનેક સંસાધનો પણ પ્રાપ્ત થાય છે. એક અંદાજ અનુસાર, લગભગ 10 લાખ જીવોની પ્રજાતિઓનું ઘર સમુદ્ર જ છે. આ ઉપરાંત વાતવરણમાં થતા ફેરફાર અને જળવાયુ પરિવર્તનની માહિતી આપવામાં પણ મહાસાગરનું મહત્ત્વનું યોગદાન હોય છે, એટલા માટે તેનું સંરક્ષણ કરવું તે આપણા દરેકની જવાબદારી છે.  

વિશ્વ સમુદ્ર દિવસ 2020નો વિષય

મહાસાગરોના સંરક્ષણને લઇને જાગૃરૂકતા ફેલાવવા માટે દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસને અલગ-અલગ થીમ અનુસાર મનાવવામાં આવે છે અને વિશ્વ મહાસાગર દિવસ 2020નો વિષય છે 'ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ઓસન' (Innovation for a Sustainable Ocean) છે.