Get The App

પહેલગામ આતંકી હુમલાને દુનિયાભરના નેતાઓએ વખોડી કાઢ્યો : ભારત સાથે ઉભા રહેવા તૈયાર થયા

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
પહેલગામ આતંકી હુમલાને દુનિયાભરના નેતાઓએ વખોડી કાઢ્યો : ભારત સાથે ઉભા રહેવા તૈયાર થયા 1 - image


- પાકિસ્તાન કહે છે : 'અમારે તે હુમલા સાથે નિસ્બત નથી'

- નેપાળ અને પશ્ચિમના તમામ દેશોએ તે હુમલાની ઉગ્ર ટીકા કરી યુ.એસ., યુ.કે., જર્મની, ડેન્માર્ક ઈ.યુ. તથા ગુયાનાએ આઘાતની લાગણી દર્શાવી

નવી દિલ્હી : પહેલગામના નૃશંસ અને જઘન્ય આતંકવાદી હુમલાને દુનિયાભરના દેશોએ વખોડી કાઢ્યો છે. આ હુમલામાં નેપાળના નાગરિકોનાં પણ મૃત્યુ થયા છે. હજી સુધી ચીનના પડખામાં રહેલા આ દેશનાં વિદેશ મંત્રાલયે પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જ્યારે તેના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. ઓલી પહેલા તો તદ્દન ચીન પરસ્ત હતા અને પાકિસ્તાન ચીનનું પાલતું છે. તે જગજાહેર છે. તે સંયોગમાં ઓલીને પોતાના જ દેશના નાગરિકોની આતંકીઓએ કરેલી હત્યાથી થોડી આંખ ઉઘડી હશે.

બીજી તરફ આ જઘન્ય હુમલાના સમાચાર મળતાં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફને તુર્તજ સ્પષ્ટતા કરવી પડી કે પાકિસ્તાનને તે હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી. તે હુમલો તો કાશ્મીરી આતંકીઓએ જ કર્યો હતો. વાત સીધી છે. આવી સ્પષ્ટતા કરવાની તેમને જરૂર શા માટે પડી ? કેમ અફઘાનિસ્તાન કે ચીનને તેવી સ્પષ્ટતા કરવી નથી પડી ?

ટુંકમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી દૂર રહેવા શીતળતા માણવા ગયેલા નિર્દોષ નાગરિકોની હત્યાનો સમય ઉલ્લેખનીય છે. એક તરફ વડાપ્રધાને ઈસ્લામ ધર્મના મોભી સઉદી અરેબિયાના યુવરાજ સાથે સંરક્ષણ કરારો કર્યા. બીજી તરફ અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ સહકુટુમ્બ ભારતની યાત્રાએ છે. બરોબર તેવા સમયે જ કરાયેલો હુમલો ચોક્કસ ગણતરીપૂર્વક સાથે પ્રબળ પીઠબળને લીધે જ થયો હોય તે તમામ બુદ્ધિજીવો સમજી જ શકે તેમ છે. વિશ્વભરના નેતાઓએ તે હુમલાને સખત વખોડયો છે.

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે તે હુમલાને વિનાશક કહેવા સાથે ભારતને આશ્વસ્ત કર્યું છે. મૃતકોના સગાં-સંબંધીઓ પ્રત્યે હમદર્દી દર્શાવી છે.

જ્યારે આ સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે સઉદી અરબસ્તાનનાં જેદ્દાહથી પાછા ફરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તુર્તજ સંપર્ક સાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ હુમલાને વખોડી કાઢતાં જે નિર્દોષ લોકો તે હુમલામાં માર્યા ગયા તેઓના કુટુમ્બીજનો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

પ્રમુખ પુતિને રાષ્ટ્રપતિ મુર્મુને સંદેશો પાઠવી આ જઘન્ય હુમલા અંગે પોતાની હમદર્દી દર્શાવી છે.

જર્મનીના ચાન્સેલર ઓલેફ શોલ્ઝે આ હુમલાને વખોડી કાઢતાં ભારતના લોકો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે મૃતકોનાં પરિવારજનોને આશ્વાસનો પાઠવ્યા હતા અને ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ડેન્માર્કના વડાપ્રધાન મેટ્રો ફ્રેડ્રિકસેને પણ ભારતને આ કરૂણ સ્થિતિમાં સાથે ઉભા રહેવાનું વચન આપતાં મૃતકોનાં સગાં સંબંધીઓ પ્રત્યે હમદર્દી દર્શાવી હતી.

દક્ષિણ અમેરિકાના દેશ ગુયાનાના પ્રમુખ ઈરફાન અલિએ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ જઘન્ય હુમલાખોરોને ન્યાયતંત્ર સમક્ષ ખડા કરવા જ રહ્યા.

યુરોપીયન કમીશનના પ્રમુખ ઊરમુલ્લા ફોન-દર-લીયેને કહ્યું હતું કે યુરોપ આ દુઃખની ઘડીમાં ભારતની સાથે છે. સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતની અંતર શક્તિ અતૂટ છે. તે આ આપત્તિમાં પણ ટટ્ટાર ઊભું રહી શકે તેમ છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે 'ટ' પર લખ્યું, 'જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષો ઉપર થયેલા એ હુમલાથી મને ઊંડો આઘાત લાગ્યો છે. મૃતકોનાં સગાં-સંબંધીઓ પ્રત્યે તેમજ ઈજાગ્રસ્તો પ્રત્યે અમારૃં હૃદય છલકાઈ રહ્યું છે.'

આ રીતે ન્યુઝીલેન્ડ અને સાઇપ્રસના તથા ઈસ્ટોનિયાના વિદેશ પ્રધાનોએ પણ પહેલગામ હુમલા અંગે આઘાતની લાગણી દર્શાવતાં આ જઘન્ય કૃત્યને વખોડી કાઢ્યું છે.

આ સંયોગામાં પાકિસ્તાને પોતાનો પાંગળો બચાવ કરતાં મણિપુર અને છત્તીસગઢમાં થતા હિંસાચારનો ઉલ્લેખ કર્યો છે પરંતુ દુનિયા આખી જાણે છે કે આ જઘન્ય કૃત્ય પાછળ કોનો હાથ હોઈ શકે ? આ આતંકીઓ પાસે આટલા આધુનિક શસ્ત્રો ક્યાંથી આવ્યાં તેમને અઢળક પૈસા કોણે આપ્યાં હશે.

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે આ હુમલા અંગે આઘાત વ્યક્ત કરતા ભારત અને મૃતકોનાં કુટુમ્બીજનો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી.

Tags :