મહાસત્તાઓના વલણથી વિશ્વ વિનાશની નજીક : નિતિન ગડકરી
રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન યુદ્ધએ ચિંતા વધારી
ગડકરીના મતે યુદ્ધમાં આધુનિક શસ્ત્રોના ઉપયોગથી માનવજાતના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થયુ છે
ભારતને સત્ય, શાંતિ અને અહિંસાના પ્રતીક બુદ્ધની ભૂમિ તરીકે પ્રશંસા કરતા ગડકરીએ ગંભીર આત્મનિરીક્ષણ અને વૈશ્વિક નીતિના પુનર્મૂલ્યાંકન માટે અપીલ કરી. તેમણે જણાવ્યું કે ભાવિ આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશા વર્તમાન સંઘર્ષો પર વિચાર-વિમર્શ દ્વારા નિર્દેશિત હોવી જોઈએ.
ગડકરીએ યુદ્ધના પ્રકારના બદલાતા સ્વરૃપ માટે મુખ્ય ચિંતા વ્યક્ત કરી. મિસાઈલો અને ડ્રોન જેવી આધુનિક ટેકનીકના આગમનથી ટેંક અને વિમાન જેવા પારંપરિક સૈન્ય ઉપકરણ પોતાની વ્યૂહાત્મક ધાર ગુમાવી બેઠા છે. ગડકરીએ ધ્યાન દોર્યું કે જે પ્રમાણે મિસાઈલો નાગરિક વિસ્તારોને લક્ષ્યાંક બનાવીને માનવતાને જોખમમાં મુકી રહી છે તેનાથી નૈતિક સવાલો ઉપસ્થિત થયા છે.
તેમણે વિશ્વ જે વિનાશક માર્ગ પર છે તેનો સામનો કરવા માટે વૈશ્વિક સંવાદનું આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે શક્તિશાળી રાષ્ટ્રોની અનિયંત્રિત આક્રમકતા અને ઉચ્ચ-ટેક શસ્ત્રો પર વધતી જતી નિર્ભરતાથી શાંતિ તો દૂર થઈ રહી છે ઉપરાંત માનવ અસ્તિત્વ સામે પણ જોખમ સર્જાયું છે.