મહિલા અનામત બિલ વચ્ચે નવા સંસદ ભવન પહોંચી કંગના રનૌત અને ઈશા ગુપ્તા, Video આવ્યો સામે
Updated: Sep 19th, 2023
નવી દિલ્હી,તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
ગણેશ ચતુર્થી નિમિત્તે 19 સપ્ટેમ્બરે જૂની સંસદનો છેલ્લો દિવસ હતો. આ પ્રસંગે સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પીએમ મોદી અને અન્ય સાંસદો નવા સંસદ ભવન પહોંચ્યા હતા. આ પહેલા સોમવારે કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી. આ દરમિયાન કંગના રનૌત પણ નવા સંસદ ભવન પહોંચી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.
કંગના રનૌતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી હતી અને હવે કંગના રનૌત સાડી પહેરીને નવી સંસદ ભવન પહોંચી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જો કે કંગના રનૌત ત્યાં શા માટે પહોંચી છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રસંગે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
18 સપ્ટેમ્બર, સોમવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ જ્યારે મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી ત્યારે કંગના રનૌતે PM મોદીના વખાણ કરતાં કહ્યું કે, હવે આપણો સમય આવી ગયો છે. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આખો દેશ એક નવા યુગનો સાક્ષી બન્યો છે.
એશા ગુપ્તા પણ નવા સંસદ ભવન પહોંચી, અને મહિલા આરક્ષણ બિલ પર વાત કરી. કંગનાએ આ બિલને મંજૂરી આપવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, ' આ બિલથી મહિલાઓને સમાન અધિકાર મળશે.મોદીજીએ જે કર્યું તે ખૂબ જ સુંદર છે.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત હાલમાં તેની ફિલ્મ 'ઇમર્જન્સી' માટે ચર્ચામાં છે, જેનું તે નિર્દેશન કરી રહી છે. આ ઉપરાંત, કંગના ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.