'હિંમત જ કેવી રીતે થઈ...' તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ લાલઘૂમ

Afghanistan Foreign Minister Muttaki: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની 'નો એન્ટ્રી'એ વિવાદ સર્જ્યો છે. ગઈકાલે શુક્રવારે આ ઘટનાના લીધે હોબાળો થયો છે અને વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને બેસવા ન દેવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે X પર પોસ્ટ કરી હતી કે, જ્યારે પુરુષ પત્રકારોને જાણ થઈ કે, તેમની મહિલા સહકર્મીઓને પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવા દેતાં અટકાવ્યા છે, ત્યારે તેમણે તેનો વિરોધ કરી વૉકઆઉટ કરવુ જોઈતું હતું. ચિદમ્બરમે આ ઘટના મામલે નિરાશા વ્યક્ત કરી જાતિય ભેદભાવનો ગંભીર આક્ષેપ કર્યો છે.
વિપક્ષના આકરા પ્રહાર
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર પર આકરા પ્રહારો કર્યા છે. X પર મોઈત્રાએ સવાલ ઉઠાવ્યો છે કે, સરકારે તાલિબાનના પ્રતિનિધિને ભારતની ધરતી પર પ્રોટોકોલ સાથે મહિલા પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાંથી બાકાત રાખવા મંજૂરી કેમ આપી? તેમની હિંમત કેમ થઈ? આપણી સરકાર કેવી રીતે તાલિબાન વિદેશ મંત્રીને મહિલા પત્રકારોને બહાર રાખી માત્ર પુરુષને પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવા ફરમાન કરી શકે છે? એસ. જયશંકરે આ વાતનો સ્વીકાર કેવી રીતે કર્યો? અને આપણા નબળા પુરૂષ પત્રકાર તે રૂમમાં કેમ રોકાયા?
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી હતી કે, મોદીજી, જ્યારે તમે મહિલા પત્રકારોને કોઈ જાહેર કાર્યક્રમમાંથી બહાર જવાની મંજૂરી આપો છો, તો તમે દેશની દરેક મહિલાને જણાવી રહ્યા છો કે, તમે તેમની તરફેણ લેવા માટે નબળા છો. આપણા દેશમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન ભાગીદારીનો અધિકાર છે. આવા ભેદભાવ પર તમારુ મૌન નારી શક્તિના તમારા સુત્રોચ્ચારને કમજોર બનાવી રહી છે.
જયશંકર સાથે વાતચીત બાદ પ્રેસ કોન્ફરન્સ
આ પ્રેસ કોન્ફરન્સમાં માત્ર અમુક પત્રકારોની જ ભાગીદારી જોવા મળી હતી. જેમાં એક પણ મહિલા પત્રકાર હાજર ન હતી. મુત્તાકીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કર્યાના થોડા કલાક બાદ નવી દિલ્હી સ્થિત અફઘાન દૂતાવાસમાં સંવાદદાતા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પત્રકારોને આમંત્રિત કરવાનો નિર્ણય વિદેશ મંત્રીની સાથે આવેલા તાલિબાનના અધિકારીઓ તરફથી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય પક્ષને અફઘાનના અધિકારીઓએ સલાહ આપી હતી કે, આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવે.
તાલિબાની શાસન પર શું બોલ્યા મુત્તાકી
તાલિબાન શાસને અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો પર પ્રતિબંધ મૂક્યો છે. જેના લીધે વિવિધ દેશો સહિત યુએન જેવી વૈશ્વિક સંસ્થાઓએ તેની આકરી ટીકા કરી છે. મુત્તાકીએ અફઘાનિસ્તાનમાં મહિલાઓની દુર્દશા પર પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ તેમણે કહ્યું કે, દરેક દેશની પોતાની પરંપરા, રીતિ-રિવાજ, કાયદો અને સિદ્ધાંત છે. અમે તેનું સન્માન કરીએ છીએ. ઓગસ્ટ, 2021માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ દેશની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તાલિબાનના શાસન પહેલાં અફઘાનિસ્તાનમાં દરરોજે 200થી 400 લોકો મરતા હતાં.