ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ

મહિલા અનામત કાયદાના અમલની સુપ્રીમમાં માગ
બંધારણનું આમુખ કહે છે આ દેશમાં તમામ લોકો એક સમાન, ૪૮ ટકા સંખ્યા ધરાવતી મહિલાઓ લઘુમતીમાં છે
ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે મહિલા અનામતના કાયદાના અમલની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે આપણા દેશના બંધારણનું આમુખ કહે છે કે આ દેશના તમામ નાગરિકો રાજકીય અને સામાજીક રીતે એક સમાન છે. આ દેશમાં સૌથી મોટી લઘુમતી કોણ છે? મહિલાઓ છે. જેની સંખ્યા ૪૮ ટકા છે. આ મામલો મહિલાઓને રાજકીય રીતે સમાનતા આપવા અંગેનો છે.
કોંગ્રેસની નેતા જયા ઠાકુર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ પીઆઇએલ કરવામાં આવી છે જેમાં મહિલા અનામતના કાયદાનો અમલ કરવાની માગણી કરવામાં આવી છે. વરીષ્ઠ વકીલ શોભા ગુપ્તા દ્વારા આ અરજીની દલીલો કરવામાં આવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટની બેંચને જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યાના સાત દસકા બાદ પણ અરજદારે મહિલા અનામતના અમલ માટે કોર્ટની શરણે આવવું પડી રહ્યું છે.
આ અરજીમાં નવા સિમાંકનની પ્રક્રિયા વગર જ મહિલા અનામત કાયદાનો અમલ કરવાની માગણી કરવામાં આવી છે. હાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને વધુ જવાબ માગ્યો છે.








