Get The App

વોટરપાર્કની મોજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત

Updated: Apr 6th, 2025

GS TEAM

Google News
Google News
વોટરપાર્કની મોજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત 1 - image

Woman Died In Water Park: સાઉથ વેસ્ટ દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં આવેલા વોટર પાર્કમાં રોલર કોસ્ટર પર રાઈડ દરમિયાન હિંચકો તૂટી પડતાં એક મહિલાનું મોત થઈ ગયું. આ દુર્ઘટના ૩ એપ્રિલના રોજ સાંજે બની હતી. આ મહિલા ભાવિ પતિ સાથે વોટર પાર્કમાં આવી હતી, જ્યાં તે હિંચકા પર રાઈડ લેતા દુર્ઘટનાનો ભોગ બની.

પોલીસે આ મામલે FIR નોંધી

ઘટનાની માહિતી મળતાં  જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાપસહેડા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ લીધો અને પોસ્ટમોર્ટમ કર્યા પછી પરિવારને સોંપી દીધો. હાલમાં પોલીસે આ મામલે FIR નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું કે, 24 વર્ષીય પ્રિયંકા પોતાના પરિવાર સાથે ચાણક્યપુરીના વિનય માર્ગ પર C-2 165માં રહેતી હતી. પ્રિયંકા એક પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ મેનેજર હતી. પ્રિયંકાના ભાઈ મોહિતે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2025માં પ્રિયંકાના લગ્ન નજફગઢમાં રહેતા નિખિલ સાથે નક્કી થયા હતા. ૩ એપ્રિલના રોજ બપોરે પ્રિયંકાને નિખિલનો ફોન આવ્યો અને બંનેએ વોટર પાર્ક જવાનો પ્લાન બનાવ્યો.

બંને બપોરે લગભગ 1:00 વાગ્યે કાપસહેડા બોર્ડર નજીક ફન એન્ડ ફૂડ વિલેજ પહોંચ્યા, જ્યાં તેઓએ લગભગ 6:00 વાગ્યા સુધી વોટર રાઈડ લીધી અને ત્યારબાદ બીજી રાઈડ માટે એમ્યૂઝમેન્ટ પાર્ક તરફ ગયા. ત્યાં બંને રોલર કોસ્ટર પર રાઈડ માટે પહોંચ્યા. રાઈડ દરમિયાન જ્યારે હિંચકો ઉપર પહોંચ્યો ત્યારે તેનો સ્ટેન્ડ તૂટી ગયો અને પ્રિયંકા સીધી નીચે પડી ગઈ.

 રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત

નીચે પડી જવાથી પ્રિયંકા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. નિખિલે પ્રિયંકાના પરિવાર અને પોલીસને આ બાબતની જાણ કરી. કાપસહેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નિખિલના નિવેદન પર કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી.

મૃતક મહિલાના ભાઈએ વોટર પાર્ક પર લગાવ્યા બેદરકારીના આરોપ

પ્રિયંકાના ભાઈ મોહિતે આરોપ લગાવ્યો કે, વોટર પાર્કમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. પ્રિયંકા હિંચકા પરથી પડી ગઈ ત્યારબાદ પણ તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવી, જેના કારણે તેનું મૃત્યુ થયું. મોહિતે આરોપ લગાવ્યો કે, પ્રિયંકાના મૃત્યુ પછી વોટર પાર્કનો એક ભાગ, જેમાં રોલર કોસ્ટર પણ છે, તેને સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોહિતે એ પણ આરોપ લગાવ્યો કે જો એમ્યૂઝમેન્ટ પાર્કમાં હિંચકાઓને સમારકામની જરૂર હતી તો તેને શા માટે ખોલવામાં આવ્યા. ત્યાં લોકોના જીવન સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો હતો.