Get The App

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

કાશ્મીરનાં ગાંદરબાલ જિલ્લામાં આવેલા સોનામાર્ગ ટુરિસ્ટ રિસોર્ટમાં માઇનસ ૯.૮ ડિગ્રી તાપમાન

જમ્મુ-કાશ્મીરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ ઃ હિમાચલમાં માઇનસ ૧૧.૨ ડિગ્રી સાથે કુમકુમસેરી રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા 1 - image

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૮

આજે ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળાની ઠંડી વધુ તીવ્ર બની હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતના જળાશયોનું પાણી થીજી ગયું હતું. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનો પારો વધુ ગગડયો હતો.

હિમાચલ પ્રદેશનાં પણ મોટા ભાગના વિસ્તારોમાં શીત લહેરની સ્થિતિ ચાલુ રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યનાં ૧૩ જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી નીચે અને ૪ જિલ્લાઓમાં શૂન્યથી નજીક નોંધવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સહિત અનેક સ્થળોએ સિઝનની સૌથી ઠંડી રાતનો અનુભવ થયો હતો. રાજ્યમાં ઠંડીની પકડ મજબૂત બનતા મોટા ભાગના વિસ્તારોનાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૫.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત હતી અને લઘુતમ તાપમાન સામાન્યથી ૩.૨ ડિગ્રી ઓછું હતું.

મધ્ય કાશ્મીરનાં ગાંદરબાલ જિલ્લામાં આવેલા સોનામાર્ગ ટુરિસ્ટ રિસોર્ટમાં માઇનસ ૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કાશ્મીરમાં ચિલ્લા એ કલાનનો પીરિયડ ચાલી રહ્યો છે. ઠંડીના ૪૦ દિવસોને ચિલ્લા એ કલાન તરીકે ઓળખવામાં આવે છે. આ ૪૦ દિવસમાં રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે રહે છે.

હિમાચલ પ્રદેશમાં માઇનસ ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કુમકુમસેરી રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. રાજ્યનાં ૩૪ સ્ટેશનો પૈકી ૧૩ સ્ટેશનોમાં શૂન્યથી નીચે તાપમાન નોંધવામાં આવ્યું હતું.

દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું અને સિઝનનું ત્રીજું સૌથી ઓછું તાપમાન છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

રાજસ્થાનમાં ૨.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે સિકર જિલ્લો સૌથી ઠંડો રહ્યો હતો. જયપુરમાં લઘુતમ તાપમાન ૪.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. પંજાબમાં પાંચ ડિગ્રી સાથે ભટિન્ડા સૌથી ઠંડુ રહ્યું હતું. હરિયાણામાં ચાર ડિગ્રી તાપમાન સાથે નરનોલ સૌથી ઠંડુ રહ્યું હતું.