Afghanistan-Pakistan Tension: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ વધ્યો છે. પાકિસ્તાને 15 ઑક્ટોબર, 2025ના રોજ અફઘાનિસ્તાનના કંધાર વિસ્તારના સ્પિન બોલ્દક જિલ્લા પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા છે. તાલિબાને આ હુમલાને ષડયંત્ર ગણાવ્યું છે. કારણકે, આ હુમલો સીઝફાયરની જાહેરાત પહેલાં જ થયો હતો.
તાલિબાન આપશે જવાબ?
પાકિસ્તાનના હુમલાનો તાલિબાન કેવી રીતે જવાબ આપે છે, તે જોવાનું રહેશે. તાલિબાને યુદ્ધવિરામનું પાલન કર્યું છે, પરંતુ મુજાહિદે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ફરીથી તેમની સાથે દગો કરશે, તો તેઓ જવાબ આપશે. કેટલાક અહેવાલો સૂચવે છે કે તાલિબાન કાબુલ અને કંદહારમાં પાકિસ્તાની સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, બંને દેશો વાટાઘાટો દ્વારા ઉકેલ ઇચ્છે છે. જો યુદ્ધવિરામનો ભંગ થાય, તો સમગ્ર પ્રદેશને અસર થઈ શકે છે. વેપાર-ધંધા ઠપ થશે અને લાખો લોકો વિસ્થાપિત થઈ શકે છે.
બંને દેશ અવારનવાર એક-બીજા પર હુમલા કરી રહ્યા છે. તાલિબાનનો આરોપ છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનનો આક્ષેપ છે કે, અફઘાનિસ્તાન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા આતંકી જૂથોને શરણ આપી રહ્યું છે, જે પાકિસ્તાન પર હુમલો કરે છે. બંને દેશ વચ્ચે 2600 કિમી લાંબી દુરાંદ લાઇન સરહદ હંમેશા વિવાદનો વિષય રહી છે.
બંને દેશોનો તણાવ ચરમસીમાએ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ વર્ષ 2025માં ચરમસીમાએ પહોંચ્યો છે. 9 ઑક્ટોબરના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર પહેલો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તાલિબાનના ઠેકાણાંને ટાર્ગેટ બનાવ્યા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ગોળીબાર અને હુમલા થઈ રહ્યા છે. કુર્રમ, ચમન અને સ્પિન બોલ્દક જેવા વિસ્તારોમાં અથડામણ વધી છે. જેમાં ડઝનથી વધુ લોકો માર્યા ગયા છે. 15 ઑક્ટોબરે સવારે ચાર વાગ્યાની આસપાસ બંને દેશોની સરહદ પર ગોળીબાર શરુ થયો હતો. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ પહેલો હુમલો હળવા અને ભારે હથિયારોથી કર્યો હતો. તાલિબાને તેનો આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની વાયુસેનાએ સ્પિન બોલ્દક પર બોમ્બમારો કર્યો હતો. વીડિયો ફૂટેજમાં વિસ્ફોટોનો અવાજ અને કાળા ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા. આ હુમલામાં તાલિબાનના લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ રહેણાંક વિસ્તારોમાં વધુ નુકસાન થયું હતું. પાકિસ્તાનનો દાવો છે કે આ તાલિબાનના હુમલાઓનો જવાબ હતો.
હવાઈ હુમલામાં 12ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
તાલિબાનના જણાવ્યા પ્રમાણે, અથડામણ અને હવાઈ હુમલામાં 12 નાગરિકો માર્યા ગયા છે અને 100થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક અહેવાલોમાં મહિલાઓ અને બાળકો સહિત 15-20 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા, જેમના મૃતદેહ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વીડિયોમાં નાશ પામેલા ઘરો, ધુમાડો અને ઘાયલો દેખાય છે. કંદહાર શહેર સુધી વિસ્ફોટો સંભળાયા હતા. યુએસ એમ્બેસીએ પણ ચેતવણી જારી કરી હતી કે સરહદ પર લડાઈ વધુ તીવ્ર બની છે.
યુદ્ધવિરામની જાહેરાત: પરંતુ 'છેલ્લી ઘડીની દગો'?
15 ઑક્ટોબરના રોજ, સાંજે 6 વાગ્યે (પાકિસ્તાન સમય), બંને દેશોએ 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. જેનું 16 ઑક્ટોબરની સાંજ સુધી પાલન થવાનું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો શાંતિ જાળવી રાખશે. જોકે, તાલિબાને પાકિસ્તાનના આ હુમલાને 'દગો' ગણાવ્યું છે. તેમનો દાવો છે કે પાકિસ્તાને તાલિબાનને નબળા પાડવા માટે યુદ્ધવિરામ પહેલા હુમલો કર્યો હતો.


