એરસ્ટ્રાઇક બાદ શું આજે ભારતમાં સ્કૂલ, કૉલેજ, બૅન્કો બંધ રહેશે? ફ્લાઇટ્સ માટે એડવાઇઝરી
Operation Sindoor Indian Army Air Strike on Pakistan: ભારતીય વાયુસેનાએ સિક્રેટ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી રાત્રે લગભગ 1:30 વાગ્યે કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ હવે લોકોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે શું બાળકો માટે આજે શાળાઓ ખુલશે અને હવાઈ અને રેલ મુસાફરી પર તેની શું અસર પડશે. આવી સ્થિતિમાં, ચાલો દરેક પ્રશ્નનો જવાબ જાણીએ...
શું બાળકોને શાળાએ મોકલવા જોઈએ?
ઉલ્લેખનીય છે કે વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારતના તમામ રાજ્યોમાં પરિસ્થિતિ સામાન્ય છે. ભારતની સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. અત્યાર સુધી શાળાઓ અંગે કોઈ એડવાઇઝરી જારી કરવામાં આવી નથી. હા પણ જમ્મુ-કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાનો બંધ રહેશે. આવી સ્થિતિમાં બાળકોને અન્ય રાજ્યોની શાળાઓમાં મોકલી શકાશે. જોકે, તમારા બાળકોને શાળાએ મોકલતાં પહેલા શાળા પ્રશાસન તરફથી આવતા મેસેજ કે ઈમેઇલ ચકાસી લેજો કે શું તેમણે શાળા બંધ રાખવાનો કોઈ નિર્ણય લીધો છે કે નહીં.
શું હવાઈ મુસાફરી સલામત છે?
ભારતમાં હવાઈ મુસાફરી સંપૂર્ણપણે સલામત છે. તમે તમારા નિર્ધારિત સમય મુજબ મુસાફરી કરી શકશો. જોકે, ભારતમાં કેટલાક સ્થળોએ ઉડાન અંગે એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જે મુજબ કેટલાક શહેરોમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખરેખર તો એર ઇન્ડિયાએ 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટથી અવર-જવર કરતી બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આવી સ્થિતિમાં, જો તમે આ રૂટ પર મુસાફરી કરી રહ્યા છો તો પહેલા એરલાઇન્સના અપડેટ્સ તપાસો. બીજી બાજુ અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે.
શું બૅંકો અને શેરબજાર ખુલશે?
બૅંકો અને શેરબજારો બંધ થવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં બૅંક, શેર બજારો નક્કી સમયે સંચાલિત રહેશે. તમે બૅંકમાં જઈને તમારું બૅંકિંગનું કામ સરળતાથી કરી શકો છો. ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.
શું ટ્રેન મુસાફરી બંધ થઈ ગઈ છે?
હવાઈ હુમલા પછી ભારતમાં ટ્રેન વ્યવસ્થા સરળતાથી કામ કરી રહી છે. તમે ટ્રેન દ્વારા મુસાફરી કરી શકો છો અને રેલ્વેએ ચોક્કસ ટ્રેક અથવા વિસ્તારો અંગે કોઈ એડવાઇઝરી જાહેર કરી નથી.
શું આપણે આવશ્યક વસ્તુઓ ખરીદવી જોઈએ?
આ સ્થિતિમાં અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે, તેથી તમારે જરૂરી માલ-સામાન એકત્ર કરવા જેવા પગલાં લેવાની જરૂર નથી.
શું આપણે ATMમાંથી પૈસા કાઢીને રાખી મૂકવા જોઈએ?
હવાઈ હુમલા પછી, લોકો શક્ય તેટલી વધુ રોકડ ઉપાડવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેમ કરવાની કોઈ જરૂર નથી. આ સમયે તમારે કોઈપણ ગભરાટ ટાળવો જોઈએ અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.