Ajit Pawar Reaches Out to Congress for Alliance Ahead of Pune Civic Polls : મહારાષ્ટ્રમાં એક બાદ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. સ્થાનિક ચૂંટણીમાં હાલમાં જ ગજબ સમીકરણ જોવા મળ્યા હતા. ઘણી બેઠકો પર NDAના સાથીઓ સામસામે લડ્યા જ્યારે વિપક્ષમાં પણ ઘણી બેઠકો પર આવા જ દૃશ્યો જોવા મળ્યા. નગર પંચાયત અને નગર પરિષદની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ પણ ઘણી જગ્યાએ જીત નોંધાવી છે. એવામાં હવે પૂણે નગર નિગમ ચૂંટણી પર સૌ કોઈની નજર છે. રાજ્યમાં NDAની સરકાર અને NCP નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી છે, પણ હવે એવી ચર્ચા છે કે અજિત પવાર પૂણેની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર છે.
અજિત પવારે કોંગ્રેસ નેતાને ફોન પર ઓફર આપી
ન્યૂઝ એજન્સી PTI અનુસાર અજિત પવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટિલ સાથે ગઠબંધન અંગે ફોન પર વાતચીત કરી. બંને પક્ષો વચ્ચે પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષો ગઠબંધન કરી શકે છે. સૂત્રો અનુસાર અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. સતેજ પાટિલે અજિત પવારને જવાબ આપ્યો છે કે તેઓ પક્ષના અન્ય નેતાઓ સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે.
ભાજપ અજિત પવારની સામે ચૂંટણી લડશે, હવે કોંગ્રેસ પર સૌની નજર
સૂત્રો અનુસાર કોંગ્રેસ પૂણેમાં ઓછી બેઠકો પર સમાધાન નહીં કરે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે અજિત પવારની NCP સાથે ગઠબંધન નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અજિત પવારની ઓફર પર તૈયાર થાય છે કે પછી જૂના સાથીઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે જ ગઠબંધન કરે છે.


