Get The App

પતિની કમાણી પર 25% પત્નીનો હક... ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
Allahabad High court


(image - ians)

Allahabad High court: અલ્લાહાબાદ હાઈકોર્ટે પત્નીના હિતમાં મોટો ચુકાદો આપતા જણાવ્યું છે કે, પત્નીને તેના પતિની કુલ કમાણીના 25% સુધીની રકમ ભરણપોષણ(ગુજારા ભથ્થા) તરીકે મેળવવાનો કાયદેસરનો અધિકાર છે. જસ્ટિસ મદન પાલ સિંહે સુરેશ ચંદ્ર નામના વ્યક્તિની અરજી ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની ફેમિલી કોર્ટે પત્નીનું ભરણપોષણ ભથ્થું 500 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કર્યું હતું, જેને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું.

પતિની દલીલ અને કોર્ટનું અવલોકન 

પતિએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તે પોતે એક મજૂર છે અને તેની આવક ઘણી ઓછી છે, તેથી ભરણપોષણની રકમમાં વધારો કરવો અયોગ્ય છે. જોકે, હાઈકોર્ટે આ દલીલને નકારી કાઢતા જણાવ્યું હતું કે, જો પતિ મજૂરી કરતો હોય તો પણ તે દિવસના આશરે 600 રૂપિયા લેખે મહિનાના 18,000 રૂપિયા તો કમાતો જ હોય. આ સંજોગોમાં પત્નીને અપાતા 3,000 રૂપિયા કોઈ પણ રીતે વધારે ન ગણાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વધતી જતી મોંઘવારીના જમાનામાં આ રકમ પતિની આવકની મર્યાદામાં જ છે.

આ પણ વાંચો: 'પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો'; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ

પતિની નૈતિક અને કાયદેસરની જવાબદારી 

અલ્લાહાબાદ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપીને નોંધ્યું હતું કે, પત્નીનું ભરણપોષણ કરવું એ પતિની કાયદેસરની સાથે સાથે નૈતિક જવાબદારી પણ છે. જો પત્ની પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ હોય, તો પતિ તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે પત્નીના ભરણપોષણની રકમમાં વધારો કરવાના નીચલી અદાલતના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો અને પતિની પુનરીક્ષણ અરજીને ફગાવી દીધી હતી.

પતિની કમાણી પર 25% પત્નીનો હક... ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image