'જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય..', તાત્કાલિક સુનાવણીની માગ અંગે ભાવિ CJIનું મોટું નિવેદન
CJI BR Gavai: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે આજે એક વકીલની અપીલ પર ઝાટકણી કાઢી હતી. તેમણે એક કેસમાં તાત્કાલિક ધોરણે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે ન્યાયાધીશોની વ્યથા વિશે ચિંતા વ્યક્ત કરતાં મહત્ત્વની ટિપ્પણી કરી હતી.
ન્યાયાધીશોની દુર્દશા વ્યક્ત કરી
એક વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે અરજી કરી હતી, કારણ કે તેમના ક્લાયન્ટના ઘરની તે દિવસે હરાજી હતી. જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે જવાબ આપ્યો હતો કે, 'જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી હું કોઈ તત્કાલ સુનાવણી નહીં કરૂ. તમે લોકો ન્યાયાધીશોની દુર્દશા સમજી શકતા નથી... શું તમે જાણો છો કે અમે કેટલા કલાક સૂઈએ છીએ? જ્યાં સુધી કોઈની સ્વતંત્રતા જોખમમાં ન હોય, ત્યાં સુધી તે જ દિવસે સુનાવણીની માંગ ન કરો.'
જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચમાં ન્યાયાધીશ ઉજ્જલ ભુઈયાં અને એન. કોટિશ્વર સિંહ હતાં. સામાન્ય રીતે રોસ્ટરના માસ્ટર તરીકે CJI બી.આર. ગવઈ આવા ઉલ્લેખોની સુનાવણી સાંભળે છે. જો કે, તેઓ હાલમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચમાં વ્યસ્ત હોવાથી બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તાત્કાલિક કેસોની સુનાવણી કરે છે.
શું હતો મામલો?
જસ્ટિસ કાંતની ટિપ્પણી ત્યારે આવી જ્યારે વકીલ શોભા ગુપ્તાએ રાજસ્થાનમાં એક ઘરની હરાજી સંબંધિત કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાની અપીલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઘરની આજે હરાજી થવાની છે, તેથી આ મામલાની તાત્કાલિક સુનાવણી થવી જોઈએ. ગુપ્તાએ વારંવાર વિનંતી કરતાં જસ્ટિસ કાંત ગુસ્સે થયા હતાં. તેમણે ઝાટકણી કાઢતાં પૂછ્યું કે, હરાજીની નોટિસ ક્યારે રજૂ કરવામાં આવી હતી. ત્યારે ગુપ્તાએ સમજાવ્યું કે નોટિસ ગયા અઠવાડિયે રજૂ કરવામાં આવી હતી, અને બાકી રકમનો એક ભાગ ચૂકવી દેવામાં આવ્યો છે. જેના પર જસ્ટિસ કાંતે ગુપ્તાને કડક શબ્દોમાં કહ્યું કે આગામી થોડા મહિનાઓ સુધી સુનાવણીની અપેક્ષા ન રાખો. જો કે, બાદમાં તેમણે કોર્ટ માસ્ટરને શુક્રવારે આ કેસ પર સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં મેન્શનિંગની પરંપરા
સુપ્રીમ કોર્ટમાં દરરોજ નિયમિત સુનાવણી શરૂ થાય તે પહેલાં, વકીલોને તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ કરવાનો અને તાત્કાલિક કેસ લિસ્ટિંગ કરવાની અરજીનો અધિકાર છે. ઘણીવાર, આવા કિસ્સાઓમાં વકીલો દલીલ કરે છે કે જો કોર્ટ તાત્કાલિક હસ્તક્ષેપ ન કરે તો તેમના ક્લાયન્ટને ગંભીર નુકસાન થઈ શકે છે. તાજેતરના સમયમાં કોર્ટે વારંવાર આ પ્રથા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
નવો નિયમ લાગુ
CJI બીઆર ગવઈએ 6 ઓગસ્ટના રોજ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, 11 ઓગસ્ટથી વરિષ્ઠ વકીલો તેમની કોર્ટમાં હાજરી આપી શકશે નહીં. કોર્ટમાં ભીડ અને વારંવાર હાજરીને નિયંત્રિત કરતાં આ જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2025 માં વર્તમાન CJI ગવઈનો કાર્યકાળ પૂર્ણ થયા પછી જસ્ટિસ સૂર્યકાંત ભારતના 51મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે પદ સંભાળશે. પરિણામે, તેમની તાજેતરની ટિપ્પણીઓને ન્યાયતંત્રની કામગીરી અને પ્રાથમિકતાઓનું મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવી રહ્યું છે.