રાજીનામું આપનારા ધનખડે માગી બુલેટ પ્રૂફ કાર અને સરકારે આપી ઈનોવા? જાણો શું હતો મામલો
aImages Sourse: IANS |
Vice President Security: ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપનારા જગદીપ ધનખડને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સચિવાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સુરક્ષા માટે નવી બુલેટ પ્રૂફ કારની માગ કરી હતી. પરંતુ તેમને બુલેટ પ્રૂફ વગરની ઈનોવા કાર આપવામાં આવી હતી.
જાણો શું છે મામલો
મીડિયા અહેવાલો અનુસાર, '28મી ફેબ્રુઆરી 2024ના રોજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીને એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'ઉપરાષ્ટ્રપતિ પાસે ત્રણ બુલેટ પ્રૂફ કાર છે. આ ત્રણ કારમાંથી બે છ વર્ષથી વધુ જૂની છે, જ્યારે ત્રીજી લગભગ ચાર વર્ષ અને પાંચ મહિના જૂની છે અને આગામી થોડા મહિનામાં તે પણ પાંચ વર્ષથી વધુ જૂની થઈ જશે. તેથી આ ત્રણ કારને વહેલી તકે નવી બુલેટ પ્રૂફ કારથી બદલવી જોઈએ.' નોંધનીય છે કે, દિલ્હી પોલીસના સુરક્ષા વિભાગને પણ આવો જ પત્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે 'વાહનોની ખરીદી ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.'
ઉપરાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા લખવામાં આવેલા પત્રોના જવાબમાં ગૃહ મંત્રાલયના એક અવર સેક્રેટરીને 12મી જૂન 2024ના રોજ ત્રણેય કારની તપાસ માટે બોર્ડ બનાવવામાં આવ્યા છે. આ બોર્ડમાં છ અધિકારીઓ (નેશનલ સિક્યોરિટી ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નિષ્ણાતો સહિત)નો સમાવેશ કરાયો હતો.
28મી નવેમ્બરના રોજ દિલ્હી પોલીસ તરફથી એક આંતરિક સંદેશાવ્ય વહારમાં કહેવામાં આવ્યું હતું કે 'ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે જગદીપ ધનખડના કાફલામાં પાંચ વર્ષ જૂની બુલેટ પ્રૂફ કારને બદલી નાખી છે. જ્યારે નવી ઈનોવા અને ફોર્ચ્યુનર કારને સામેલ કરાઈ છે, જે બુલેટ પ્રૂફ નથી. ઉપરાષ્ટ્રપતિના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને સચિવને કહેવામાં આવ્યું હતું કે જો બુલેટપ્રૂફ વાહનની જરૂર હોય, તો તે દિલ્હી પોલીસ પાસેથી લઈ શકે છે.
જગદીપ ધનખડે 22મી જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું
ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે 22મી જુલાઈના રોજ અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી દેશમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી કારણ કે સવાલ એ ઊભો થયો હતો કે જગદીપ ધનખડે અચાનક રાજીનામું કેમ આપવું પડ્યું?