Get The App

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ કેમ જોર પકડયું છે ?

ભાજપના સાંસદ વરુણ ગાંધીના પાર્ટી સાથેના મતભેદો વધતા જાય છે

પાર્ટીલાઇન કરતા જુદો મત અને નિવેદનો પ્રગટ કરીને મુસિબત ઉભી કરે છે

Updated: Oct 22nd, 2021

GS TEAM

Google News
Google News
વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ કેમ જોર પકડયું છે ? 1 - image


નવી દિલ્હી,૨૨ ઓકટોબર,૨૦૨૧,શુક્રવાર 

પીલીભીતના ભાજપ સાંસદ વરુણ ગાંધીએ લખીમપુર હિંસાની ઘટનામાં વરુણ ગાંધી સોશિયલ મીડિયામાં વિચારો પ્રગટ કરીને યોગી સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. થોડાક સમય પહેલા એક વીડિયો કલીપ શેર કરેલો જેમાં જીપચાલક પ્રદર્શનકારી ખેડૂતોને કચડી રહયો હતો. આ અંગે ટવીટ્ કરતા લખ્યું હતું કે વીડિયોમાં બિલકુલ સ્પષ્ટ જણાય છે કે પ્રદર્શનકારીઓની હત્યા કરીને તેમને ચૂપ કરી શકાય નહી. ખેડૂતોના વહી રહેલા લોહીનું ઉત્તરદાયિત્વ નકકી થવું જોઇએ. અહંકાર અને ક્રુરતાનો લોકોમાં ડર ઘૂસી જાય એ પહેલા ન્યાય થવો જરુરી છે. અગાઉ વરુણે શેરડી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોઇએ એ મુદ્વો ઉઠાવીને યોગી સરકારની મુંઝવણ વધારી હતી.ગત ૫ સપ્ટેમ્બરના રોજ મુઝફફરનગરમાં યોજાયેલી મહા પંચાયતમાં ખેડૂતોનું સમર્થન કરતા યોગી સરકારને નીચા જોણું થયું હતું. વરુણ પાર્ટી લાઇન કરતા અનેક વાર જુદો મત પ્રગટ કરીને નારાજગીને છતી કરી ચૂકયા છે ભાજપના આ સાંસદ ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશની યોગી સરકારથી નારાજ છે. 

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ કેમ જોર પકડયું છે ? 2 - image

તાજેતરમાં વરુણે ફરી એક વાર ઉત્તરપ્રદેશમાં પાછોતરા વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાતા ખેડૂતોને મદદ કરવા સરકારને અપીલ કરી છે. પીલીભીત,લખીમપુરી ખીરી અને બરેલી જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી અનેક ગામો બેટ બની ગયા છે. પીલીભીતમાં શારદા અને દેવહા જેવી સ્થાનિક નદીઓનું જળ સ્તર ખૂબજ વધારે છે. નદી કાંઠા પાસે વસતા લોકોના ઘરો અને જાનમાલને ભારે નુકસાન થયું છે. પીલીભીતમાં શારદી નદીના જબદસ્ત પાણીના પ્રવાહમાં ૫૦૦ થી વધુ ગ્રામીણ લોકોને બચાવવા માટે આર્મી બોલાવવામાં આવી હતી. સાંસદે ટ્વીટ કરીને જણાવ્યું કે તરાઇનો મોટા ભાગનો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો છે. પુરની પીડા વેઠી રહેલા લોકોને રાશન પાણીની વ્યવસ્થા થવી જરુરી છે. આફત ખતમ ના થાય ત્યાં સુધી એક પણ પરીવારે ભૂખ્યા રહેવું ના પડે તેનું ધ્યાન રાખવું જરુરી છે. જયારે સામાન્ય માણસને સરકારીતંત્રની મદદની જરુર હોય ત્યારે જ તેમને ખૂદના ભરોસે છોડી દેવામાં આવે છે. જો બધુ જાતે જ (લોકો)એ કરવાનું હોયતો પછી સરકારનો શું અર્થ છે. એટલું જ નહી ભાજપ સાંસદ વરુણ ગાંધીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર આપવાની માંગણી કરી પણ કરી છે. 

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ કેમ જોર પકડયું છે ? 3 - image

રાજકિય નિષ્ણાતોનું માનવું છે કે માતા મેનકા ગાંધી અને પુત્ર વરુણ ગાંધી ભાજપમાં ઘણા સમયથી ઉપેક્ષા થવાથી નારાજ છે. ખેડૂતોના પ્રશ્નો ઉઠાવાના બહાને નારાજગી પ્રગટ કરી રહયા છે. બયાનબાજી કરીને પોતાના પક્ષનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરી રહયા છે પરંતુ સામેથી કોઇ પ્રતિભાવ મળતો નથી. થોડાક સમય પહેલા કેન્દ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું વરુણ ગાંધીને કોઇ ખાતું સોંપવામાં આવે તેની ચર્ચા હતી પરંતુ છેવટે તક મળી નહી. આવનારા વર્ષમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને જે વ્યૂહરચના ઘડવામાં આવી છે તેમાં પણ વરુણ ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે વરુણ અને ભાજપની ટોચની નેતાગીરી સાથેની નારાજગીના મૂળિયા છેક ૨૦૧૩માં રોપાયા હતા. વરુણ પાસે એ સમયે પશ્ચિમ બંગાળના બીજેપી પ્રભારીની જવાબદારી હતી. લોકસભાની ચુંટણી પહેલા કોલકતાના પરેડ ગ્રાઉન્ડમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીએ એક રેલી સંબોધી હતી. આ સમગ્ર રેલીનું વ્યવસ્થાપન અને સંચાલન વરુણે સંભાળ્યું હતું.બીજેપી સંગઠને આ રેલીને સારી ગણાવી હતી પરંતુ વરુણે એક અખબારમાં બયાન આપ્યું જેમાં રેલીને નિષ્ફળ ગણાવી હતી. વરુણનું આ બયાન ભાજપની નેતાગીરીને ગમ્યું ન હતું. ત્યારથી જ ભાજપ અને વરુણ ગાંધી વચ્ચેના સંબંધોમાં ખટાશ નખાઇ હતી જે સમય જતા વધતી રહી છે. 

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ કેમ જોર પકડયું છે ? 4 - image

૨૦૧૪માં સુલતાનપુર લોકસભા મત વિસ્તારમાંથી વરુણ ગાંધીએ વિજય મેળવ્યો પરંતુ કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું. પોતાનો લોકસભા મત વિસ્તાર કોંગ્રેસના ગાંધી પરીવારની પરંપરાગત અમેઠી બેઠકની અડીને આવેલો છે. આથી અમેઠીના ઉમેદવાર રાહુલ ગાંધી વિરુધ વરુણ પ્રચાર કરે એવું ભાજપ ઇચ્છતું હતું પરંતુ વરુણે ગાંધી પરીવાર વિરુધ પ્રચાર કરવાની ના પાડી દીધી હતી. જયારે વરુણ ગાંધીને કોંગ્રેસના સર્વેસર્વા ગાંધી પરીવારનો રાજકિય પ્રભાવ ઘટાડવા માટે જ ભાજપમાં મહત્વનું સ્થાન મળતું હતું.  ૨૦૧૫માં અમીત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ પછી વરુણને રાષ્ટ્રીય મહા સચિવ પદેથી હટાવીને કૈલાસ વિજય વર્ગીયને મહાસચિવ અને બંગાળના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં વરુણને રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી પણ બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મધ્યપ્રદેશના જયોતિરાદિત્ય સિંધિયાને સ્થાન મળ્યું છે.

હવે વરુણ અને બીજેપી વચ્ચે મતભેદો એટલા આગળ વધી ગયા છે કે કોઇ સમાધાન નિકળે તેમ જણાતું નથી. કાર્યકારણીમાંથી હટાવ્યા પછી વરુણે એવી પ્રતિક્રિયા આપી હતી કે એમને કાંઇ જ ફર્ક પડતો નથી. આનો મતલબ કે તેમને પક્ષમાં રસ રહયો નથી. આગામી લોકસભા ચુંટણીમાં ટિકિટ કપાશે એવું પણ કદાંચ માનતા હોય આથી જ તે પોતાના જ પક્ષમાં અકળાયા હોય એમ જણાય છે. જે પરીસ્થિતિ ઉભી થઇ રહી છે તે જોતા વરુણ ગાંધી લાંબો સમય સુધી બીજેપી સાથે રહે તેમ નિષ્ણાતોને જણાતું નથી. ઇન્દિરા ગાંધીના પુત્ર સ્વસંજયગાંધીનો પુત્ર વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ પણ જોર પકડયું છે. પારીવારિક સંબંધોની કડવાશની રીતે મેનકા અને સોનિયાને સારા સંબંધો નથી પરંતુ પ્રિયંકા ગાંધી સાથે વરુણને સારો મેળે છે. પ્રિયંકાનું કોંગ્રેસમાં કદ વધી રહયું છે એ જોતા કોંગ્રેસમાં જોડાય તો પણ નવાઇ નહી. જો એમ થશે તો ગાંધી પરીવાર માટે સમયની બલીહારી જ ગણાશે. 

Tags :