ભારતમાં 5 સપ્ટેમ્બર પરંતુ વિશ્વમાં 5 ઓકટોબરે કેમ શિક્ષક દિન ઉજવાય છે ?
યુનેસ્કો દ્વારા વિશ્વમાં 5 ઓકટોબરે શિક્ષક દિવસ ઉજવાય છે
ભારતમાં 5 સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ રાધા કૃષ્ણનનો જન્મ દિવસ છે
નવી દિલ્હી, 5,સપ્ટેમ્બર, 2020, શનિવાર
5 સપ્ટેમ્બર ભારતમાં છેલ્લા 58 વર્ષથી દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં શિક્ષકથી છેક રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચનારા આદર્શ રાજપુરુષ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવાય છે પરંતુ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓકટોબરે ઉજવાય છે. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક સંધી પર હસ્તાક્ષર થયા હતા.
આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ટીચિંગ ઇન ફ્રિડમ સંધી હેઠળ શિક્ષકોના અધિકારો, જવાબદારી અને શિખવા- શિખવવાનો માહોલ ઉભો કરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. 5 ઓકટોબર 1997ના રોજ આયોજીત આ સંમેલનમાં યૂનેસ્કોએ ઉચ્ચતર શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોની સ્થિતિને લઇને વર્ગિકરણ કર્યુ હતું. માણસને સંસ્કાર આપીને સારો નાગરિક બનાવવામાં શિક્ષણનો મોટો ફાળો છે.આથી શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુંથી યુનેસ્કો દ્વારા દર વર્ષે શિક્ષક દિન ઉજવાય છે.
જો કે વિશ્વના જુદા જુદા દેશોમાં શિક્ષક દિન અલગ તારીખે પણ ઉજવાય છે જેમાં ભારતમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિન હોય છે. ભારતમાં દેશના શિક્ષણના ઘડતર માટે યોગદાન આપનારા શિક્ષકોના સન્માનમાં ઉજવાય છે. દરેક નાગરિક કોઇને કોઇ રીતે પોતાના જીવન વિકાસમાં શિક્ષકોના મહત્વને યાદ કરીને આભાર પ્રગટ કરે છે. ભારતમાં 1962થી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવાની શરુઆત થઇ હતી.
સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તથા વિદ્વાન વિચારક હતા. રાધા કૃષ્ણનને ભારતના સર્વોચ્ચે નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્ર નિર્માણ માટે દેશના યુવાનો અને વિધાર્થીઓના શિક્ષણ ઘડતર પર ભાર મુકતા હતા. ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઇ રહયું છે તેમના આ વિધાનને શિક્ષણ જગતમાં ખૂબ ઉંચુ સ્થાન મળેલું છે.