નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય કરવામાં ક્યાં ગૂંચવાયું ભાજપ? જાણો ક્યારે થશે જાહેરાત
Images Sourse: IANS |
New BJP President: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા ઘણાં સમયથી વિલંબિત છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વચ્ચે હજુ સુધી કોઈ એક નામ પર સહમતિ થઈ નથી. જો કે, ટૂંક સમયમાં સર્વસંમતિ થવાની શક્યતા છે. ભાજપના બંધારણ અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે જ શક્ય છે જ્યારે પાર્ટીના ઓછામાં ઓછા 19 રાજ્યોમાં પ્રમુખોની નિમણૂક કરવામાં આવે. અત્યાર સુધીમાં પાર્ટીએ 37 રાજ્યોમાંથી 14 રાજ્યોમાં નવા પ્રમુખોની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા બાકીના રાજ્યોમાં પણ ટૂંક સમયમાં નિમણૂકો કરવામાં આવશે.
ભાજપના પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય આવી છે?
સૂત્રોના જણાવ્યાનુસાર, 18 રાજ્યોમાં જિલ્લા પ્રમુખોની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અથવા અંતિમ તબક્કામાં છે. 19 રાજ્યોનો આંકડો આગામી થોડા અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. ભાજપના બંધારણમાં તમામ સ્તરે પ્રમુખોની ચૂંટણી માટે એક જ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. અડધા બૂથ પ્રમુખોની ચૂંટણી પૂર્ણ થયા પછી, મંડળ પ્રમુખની પસંદગી કરવામાં આવે છે. અડધા મંડળ પ્રમુખોની ચૂંટણી પછી, જિલ્લા પ્રમુખો માટે રસ્તો સાફ થાય છે. જ્યારે અડધા જિલ્લા એકમ પ્રમુખોની પસંદગી થાય છે, ત્યારે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી શકાય છે. 37 રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાત પછી, પાર્ટી નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી તરફ આગળ વધે છે.
આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની 638 કરોડની સંપત્તિ જપ્ત, EDએ પૈસાની મોટી હેર-ફેર પકડી પાડી
આરએસએસ-ભાજપ વચ્ચે નામો પર મંથન
આરએસએસ-ભાજપ વચ્ચે સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે પસંદગીમાં થોડો વિલંબ થયો છે. ઉમેદવારની ઉંમર, સામાજિક પૃષ્ઠભૂમિ અને ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને વ્યૂહનિતી બનાવવામાં આવી રહી છે. ચર્ચામાં રહેલા કેટલાક નામો હાલમાં કેન્દ્રીય મંત્રીઓ છે, તેથી મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલની પણ ચર્ચા થઈ રહી છે.
શું પીએમના વિદેશ પ્રવાસ પછી જાહેરાત કરવામાં આવશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈના બીજા અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પાછા ફર્યા પછી પાર્ટી નવા પ્રમુખની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન પાર્ટીએ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પ્રદેશ પ્રમુખોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે.