તું તારી જાતને તુર્રમ ખાં સમજે છે?, આવું તમે પણ સાંભળ્યું જ હશે પણ આજે જાણો તેઓ હતા કોણ...
The story of Turram Khan: જયારે કોઈ વ્યક્તિ હીરોગીરી કરતી હોય ત્યારે આપણે તેને કહેતા હોય છે કે 'તું તારી જાતને તુર્રમ ખાં સમજે છે કે શું?' મોટેભાગે આપણે આ વાક્ય મજાક કે હાસ્યાસ્પદ રીતે વાપરતા હોય છીએ. પણ શું તમને ખબર છે કે તુર્રમ ખાં કોણ હતા અને શા માટે આપણે આ વાક્યપ્રયોગ કરીએ છીએ? અસલી તુર્રમ ખાં કોણ હતા, જેના નામે આટલી બધી કહેવતો અને ડાયલોગ બન્યા છે? આજે તુર્રમ ખાં વિષે જાણ્યા પછી તમે આ નામનો વ્યંગ કરવામાં તો ઉપયોગ કરશો જ નહિ.
કોણ હતા તુર્રમ ખાં?
તુર્રમ ખાંનું અસલી નામ તુર્રેબાઝ ખાન હતું. તેમનો જન્મ હૈદરાબાદના બેગમ બજારમાં થયો હતો. તેમની જન્મ તારીખ વિશે મતભેદ છે કારણ કે તેમના પ્રારંભિક જીવન વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. તુર્રમ ખાંને ઈતિહાસમાં યોદ્ધા ગણવામાં આવે છે. તેમણે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ લડાઈમાં મોટી ભૂમિકા ભજવી હતી. તમે જાણતા જ હશો કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ચિનગારી સૌપ્રથમ બેરકપુરમાં શરૂ થઈ હતી, જ્યાં મંગલ પાંડેએ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત કરી હતી. આ સ્વતંત્રતા ચળવળની આગ હૈદરાબાદ પહોંચી જ્યાં તેનું નેતૃત્વ તુર્રેબાઝ ખાન કરી રહ્યા હતા. તેમણે હૈદરાબાદના ચોથા નિઝામ અને અંગ્રેજો સામે બળવો કર્યો હતો.
ઈતિહાસમાં હૈદરાબાદની આ લડાઈનો વિગતવાર ઉલ્લેખ નથી
ઈતિહાસમાં હૈદરાબાદની આ લડાઈનો બહુ ઉલ્લેખ નથી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બ્રિટિશ રેસિડેન્સી પર તુર્રેબાઝએ હુમલો કર્યો હતો. તેણે અંગ્રેજો સામે 6,000 સૈનિકોની સેના તૈયાર કરી અને તેનું નેતૃત્વ કર્યું. હકીકતમાં, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન, હૈદરાબાદના જમાદાર ચીદા ખાને દિલ્હી તરફ કૂચ કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં અંગ્રેજોએ તેમને કપટથી કેદ કર્યા. જેથી તુર્રેબાઝ ખાને તેમને બચાવવાની જવાબદારી ઉપાડી અને અંગ્રેજો પર હુમલો કર્યો.
અંગ્રેજો સામે લડ્યા હતા આખી રાત
ચીદા ખાનને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવા માટે તુર્રેબાઝ ખાને યોજના બનાવી હતી. જેમાં તેણે 500 લોકોની ફોજ સાથે રાત્રે રેસિડેન્સી હાઉસ પર હુમલો કર્યો. જો કે, કહેવાય છે કે નિજાનના વઝીર સાલારજંગે તુર્રેબાઝ ખાન સાથે દગો કર્યો અને અંગ્રેજોને આ યોજનાની અગાઉથી જાણ કરી દીધી. જયારે તુર્રેબાઝ ખાન રેસિડેન્સી હાઉસ પહોંચ્યા ત્યારે અંગ્રેજો પહેલેથી જ તોપો અને બંદૂકો સાથે તૈયાર હતા.
અંગ્રેજોની તૈયારીનો તુર્રમ ખાંનો અંદાજ પણ ન હતો. અંગ્રેજો પાસે તોપો અને બંદૂકો હતી જયારે તુર્રમ ખાં અને તેનો ફોજ પાસે તલવારો હતી! જયારે તુર્રમ ખાંએ હુમલો કર્યો તો અંગ્રેજોએ બચાવમાં તેમની સેના પર તોપો અને બંદૂકો વરસાવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં તુર્રેબાઝ ખાન પાસે શસ્ત્રો અને સૈનિકોનો અભાવ હોવા છતાં, તેણે આખી રાત અંગ્રેજોનો સામનો કર્યો. કહેવાય છે કે આ યુદ્ધમાં અંગ્રેજો તેમને પકડી શક્યા ન હતા, તેઓ અંગ્રેજોની આટલી મોટી સેનાને ચકમો આપીને તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
તુર્રમ ખાં ફરાર થઈને જંગલમાં છુપાઈ ગયા હતા અને તેમના ફરાર થવાથી અંગ્રેજ સરકાર ચિંતિત થઈ ગઈ હતી. પરંતુ એક ગદ્દારે તેમના સ્થાનની જાણકારી અંગ્રેજોને આપીને તેની ધરપકડ કરાવી દીધી હતી. ત્યારબાદ હૈદરાબાદ કોર્ટે તેને કાલા પાનીની સજા સંભળાવી. પરંતુ તેમ છતાં તુર્રમ ખાં 1859માં જેલમાંથી ભાગવામાં સફળ થયા. આ પછી, અંગ્રેજોએ તેના પર 5000 રૂપિયાનું ઈનામ રાખ્યું પરંતુ થોડા દિવસો પછી, એક દેશદ્રોહી તાલુકદાર મિર્ઝા કુરબાન અલી બેગે તેને તુપારણના જંગલોમાં વિશ્વાસઘાતથી મારી નાખ્યા, પરંતુ આજે પણ તુર્રેબાઝ ખાન એટલે કે તુર્રમ ખાંને તેમના પરાક્રમ અને બહાદુરી માટે યાદ કરવામાં આવે છે.
'તુર્રમ ખાં' નામ પર સંસદમાં પ્રતિબંધ
સંસદમાં તુર્રમ ખાંનું નામ લેવા પર પ્રતિબંધ છે. વાસ્તવમાં, ગયા વર્ષે લોકસભા સચિવાલયે સંસદની કાર્યવાહી દરમિયાન કયા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ તેની યાદી બહાર પાડી હતી, જેમાં તુર્રમ ખાં, શકુની, દલાલ જેવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.