Get The App

કોણ છે રેખા ગુપ્તા? ભાજપે શા માટે તેમને બનાવ્યા દિલ્હીના CM? જાણો તેના પાછળનું કારણ

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
કોણ છે રેખા ગુપ્તા? ભાજપે શા માટે તેમને બનાવ્યા દિલ્હીના CM? જાણો તેના પાછળનું કારણ 1 - image


Rekha Gupta New CM of Delhi Inside Story : રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. ગત કેટલાક દિવસોથી દિલ્હીને મહિલા મુખ્યમંત્રી મળવાની ચર્ચા હતી. અંતે શાલીમાર બાગ બેઠકથી જીતીને આવેલા રેખા ગુપ્તાએ દિલ્હીની રેસમાં બાજી મારી લીધી છે. રેખા ગુપ્તા આવતીકાલે (20 ફેબ્રુઆરી)એ 12 વાગ્યે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. છેલ્લા 12 દિવસથી નવા મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ હતું. પરંતુ બુધવારે સાંજે રેખા ગુપ્તાના નામ પર મહોર લગાવીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દેવાયો. રેખા ગુપ્તા હાલમાં ભાજપની એક માત્ર મહિલા મુખ્યમંત્રી હશે.

જણાવી દઈએ કે, બુધવાર સાંજે ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવી દીધી. દિલ્હી ભાજપના એક મોટા નેતાનું માનીએ તો જે દિવસે દિલ્હી ચૂંટણીના પરિણામ આવ્યા હતા, તે દિવસે રેખા ગુપ્તાનું નામ ફાઈનલ કરી દેવાયું હતું. રેખા ગુપ્તાનું મહિલા હોવું તેને મુખ્યમંત્રી બનવામાં મદદગાર સાબિત થયું. સાથે જ સંઘ સાથે તેમના કનેક્શને પણ તેમાં મોટો રોલ ભજવ્યો.

રેખા ગુપ્તા શાલીમાર બાગથી જીતીને આવ્યા છે. રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વંદના કુમારીને હરાવ્યા છે. ગત બે ચૂંટણીમાં રેખા ગુપ્તા વંદના કુમારી સામે હાર્યા હતા, પરંતુ આ વખતે તેમણે વંદના કુમારીને હરાવ્યા. ભાજપના સૂત્રોનું માનીએ તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દિલ્હીના સંભાવિત મુખ્યમંત્રી અને મંત્રીઓને 90 દિવસનો રોડમેપ પ્લાન તૈયાર કરવા કહ્યું હતું. ભાજપ હાઈકમાન્ડે દિલ્હીના સંભાવિત મુખ્યમંત્રી અને સંભાવિત મંત્રીઓને પૂછવામાં આવ્યું હતું કે, જો તમે મંત્રી અને મુખ્યમંત્રી બનો છો તો પહેલા 15 દિવસમાં શું કરશો? પછી આગામી 30 દિવસમાં તમારો પ્લાન શું હશે? આ રીતે 60 દિવસ અને 90 દિવસનો પ્લાન તૈયાર કરી દો. જેમાં ખાસ વાત એ છે કે માત્ર 48 ધારાસભ્યને જ આ રોડમેપ બનાવવા માટે કહેવાયું હતું.

શા માટે બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી?

જણાવી દઈએ કે, દિલ્હી ચૂંટણીના પરિણામ ગત 8 ફેબ્રુઆરીના રોજ આવ્યા હતા. પરંતુ આજે 9 દિવસ વીતી ગયા પછી પણ દિલ્હીને હજુ સુધી નવા મુખ્યમંત્રી મળ્યા નથી. અંતે ભાજપે 21મા રાજ્યમાં રેખા ગુપ્તાના રૂપમાં એક મહિલા મુખ્યમંત્રી આપ્યા છે. ભાજપે ઘણા રાજ્યોમાં મહિલા નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરી છે. ઑડિશા, રાજસ્થાન આના ઉદાહરણો છે. અગાઉ પણ બિહાર સહિત ઘણા રાજ્યોમાં મહિલા નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ હાલમાં રેખા ગુપ્તા પ્રથમ મુખ્યમંત્રી હશે.

આ પણ વાંચો: રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય, આવતીકાલે શપથગ્રહણ સમારોહ

બુધવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં પક્ષના નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડની હાજરીમાં રેખા ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પરવેશ વર્મા ઉપરાંત, દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં સતીશ ઉપાધ્યાય, વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા અને શિખા રાય જેવા ઘણા ચહેરાઓના નામ લેવામાં આવી રહ્યા હતા. પણ આખરે રેખા ગુપ્તા જીતી ગઈ.

રેખા ગુપ્તા કોણ છે?

રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સક્રિય સભ્ય છે. વર્ષ 1996-97માં DUSUના ભૂતપૂર્વ મહાસચિવ અને પ્રમુખ રહી ચૂકી છે. 2003-2004 સુધી તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દિલ્હી રાજ્યના સચિવનું પદ સંભાળ્યું. ઉપરાંત 2004-2006માં તે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બન્યા. તેઓ 2007-2009 સુધી સતત બે વર્ષ માટે મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ, MCDના અધ્યક્ષ બન્યા.

આ પણ વાંચો: દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર

રેખા ગુપ્તાએ ABVPથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી

રેખા ગુપ્તા વર્ષ 2009માં દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2010 થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. તે 2007 અને અને 2012માં ઉત્તર પીતમપુરા (વોર્ડ 54)થી બે વાર ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેઓ 2013 થી સતત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે અને 2025માં જીત્યા છે. 1992માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.

Tags :