ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવાબ
US President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સગર્ભાને અપાતી પેરાસિટામોલ અને બાળકોના રસીકરણ મામલે કરેલા દાવાને વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ રદીયો આપ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, સગર્ભા મહિલાઓએ પેરાસિટામોલ(અમેરિકામાં ટાઇલેનોલ)નું વધું પડતું સેવન ટાળવું જોઈએ, તેનાથી બાળકમાં ઓટિઝમનો ખતરો વધી શકે છે.
WHOએ ટ્રમ્પના દાવાને રદીયો આપ્યો
WHOએ ટ્રમ્પના દાવાને રદીયો આપીને કહ્યું છે કે, ‘સગર્ભા મહિલાઓ દ્વારા પેરાસિટામોલ લેવાના કારણે બાળકોના ઓટિઝમ વધવાનો હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી. સગર્ભા વખતે પેરાસિટામોલ સુરક્ષિત માનવામાં આવે છે, જો કે તે માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
રસીકરણના નિયમોમાં પણ ફેરફાર કરવાનો પણ ટ્રમ્પનો પ્રસ્તાવ
આ ઉપરાંત ટ્રમ્પે નવજાત શિશુના રસીકરણના શેડ્યુલમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કોઈપણ પુરાવા વગર દાવો કર્યો હતો કે, હેપેટાઇટિસ-બી જેવી બીમારી માટે જન્મ બાદ તરત રસી આપવી જરૂરી નથી. બાળક 12 વર્ષનું થાય અને સંપૂર્ણ વિકસિત થાય, ત્યાં સુધી રસી આપવા માટે રાહ જોવી જોઈએ. ત્યારે WHOએ આ મામલે પણ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક છે પેરાસિટામોલ, બાળક પર ઓટિઝમનો ખતરો: ટ્રમ્પનો દાવો
‘ટ્રમ્પના દાવાના કોઈ પુરાવા નથી’
WHOના પ્રવક્તા તારિક જાસારેવિકે જીનીવામાં કહ્યું કે, ‘રસીકરણના કારણે ઓટિઝમ થતું નથી, પરંતુ તેનાથી જીવ બચાવી શકાય છે. આ એક એવી રસી છે, જેને વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કરેલ છે. વાસ્તવમાં આવી વાતો પર સવાલ ન ઉઠાવવા જોઈએ.’ યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ કહ્યું કે, ‘ટ્રમ્પે જે દાવા કર્યા છે, તેના કોઈ પુરાવા નથી.’
ટ્રમ્પે શું કહ્યું હતું?
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, ‘યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સગર્ભા મહિલાઓ માટે એસિટામિનોફેનના લેબલ પર ચેતવણી લગાવશે. આમાં ગર્ભાવસ્થા દરમિયાન તેના ઉપયોગ મુદ્દે ચેતવણી લખાશે. તેમણે ગર્ભવતી મહિલાઓને પેરાસિટામોલ દવાથી દૂર રહેવાની સલાહ આપી છે. અનેક નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રમ્પ ખોટા દાવા કરી રહ્યા છે. પેરાસિટામોલથી ઓટિઝમ થાય છે, તેવી કોઈ ચેકવણી FDAએ જાહેર કરી નથી.