કોણ છે પસમંદા મુસલમાન, જેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે BJP: શું તેઓ ગેમચેન્જર સાબિત થશે?
- BJPની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં પીએમ મોદીએ પસમંદા મુસ્લિમો વિશે વાત કરી હતી
- પીએમ મોદીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજના સૌથી વંચિત વર્ગો સુધી પહોંચવા પર ભાર મૂક્યો છે.
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર
આગામી લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે BJP શાસિત સરકારે અનેક યોજનાઓ લાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસમંદા મુસલમાનોના પછાતપણાને રેખાંકિત કરતા પોતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજના સૌથી વંચિત વર્ગો સુધી પહોંચવા પર ભાર મૂક્યો છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આપણે 200થી વધુ જિલ્લાઓ અને 22,000થી વધુ ગામડાઓમાં આપણા આદિવાસીઓને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. આપણી લઘુમતિઓમાં ખાસ કરીને મુસલમાનોમાં પસમંદા મુસલમાનો છે, આપણે તેમને કેવી રીતે ફાયદો પહોંચાડવો જોઈએ... તે સરકાર વિચારી રહી છે. કારણ કે આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ તેઓ ઘણા પાછળ છે.'
જુલાઈ 2022માં BJPની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં પીએમ મોદીએ પસમંદા મુસ્લિમો વિશે વાત કરી હતી. ત્યારબાદ તેમણે ગત મહિને રાષ્ટ્રીય કાર્યકારિણીના દિલ્હી સત્રમાં પસમંદાના પછાતપણા પર ભાર મૂક્યો હતો.
બલિયાના વતની પસમંદા સમુદાયના નેતા દિનેશ અન્સારી પણ BJP શાસિત ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી છે.
કોણ છે પસમંદા મુસલમાન?
'પસમંદા' એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે 'જે પાછળ રહી ગયા છે', તે શુદ્ર (પછાત) અને અતિ-શુદ્ર (દલિત) જાતિના મુસલમાનોની કેટેગરી માનવામાં આવે છે. વર્ષ 1998 સુધી પસમંદા મુસ્લિમો માત્ર એક જૂથ હતું, જે મુખ્યત્વે બિહારમાં સક્રિય હતા.
પસમંદામાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે અને દેશમાં મુસ્લિમ સમુદાયની બહુમતિમાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ભારતના અન્ય ભાગોમાં મુસ્લિમ સંઘો દ્વારા પસમંદા શબ્દનો ઉપયોગ જાતિ દ્વારા પોતાને ઐતિહાસિક અને સામાજિક રીતે જાતિ દલિત મુસ્લિમ સમુદાયો તરીકે વર્ણવવા માટે કરવામાં આવે છે.
પછાત, દલિત અને આદિવાસી મુસ્લિમ સમુદાયો હવે પસમંદાની ઓળખ હેઠળ સંગઠિત થઈ રહ્યા છે. તેમાં કુંજરે (રાયણ), જુલાહે (અંસારી), ધુનિયા (મન્સુરી), કસાઈ (કુરેશી), ફકીર (અલવી), હજ્જામ (સલમાની), મેહતર (હલાલખોર), ગોવાળ (ઘોસી), ધોબી (હવારી), લુહાર-સુથાર.(સૈફી), મણિહાર (સિદ્દીકી), દરજી (ઈદ્રીસી), વાંગુજ્જર જેવી જાતિઓનો સમાવેશ થાય છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે BJP તમામ પ્રયાસ કરી રહી છે. હવે એ જોવાનું રહેશે કે તે આમાં કેટલી હદે સફળ થાય છે.