સિંદૂર બારૂદ બની જાય તો પરિણામ શું આવે તે દુનિયાએ જોઈ લીધું : વડાપ્રધાન
- ભારતીય સેનાએ 22 મિનિટમાં જ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું : મોદી
- પાકિસ્તાનને સિંધુનું પાણી નહીં અપાય, વેપાર નહીં થાય કે વાટાઘાટો પણ નહીં થાય : મોદીનો શાહબાઝ-ટ્રમ્પને સંદેશ
બિકાનેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં ફરી એક વખત આતંકવાદ પર પ્રહાર કર્યો હતો. આતંકીઓએ ધર્મ પૂછીને આપણી માતા-બહેનોની માંગનું સિંદૂર ભૂંસી નાંખ્યું હતું, પરંતુ સિંદૂર જ્યારે બારૂદ બની જાય તો તેનું પરિણામ શું આવે તે દુનિયાએ જોઈ લીધું છે. પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સૈન્યે ૨૨ મિનિટમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓના નવ સૌથી મોટા સ્થળોનો નાશ કરીને પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં રૂ. ૨૬,૦૦૦ કરોડથી વધુની વિકાસ યોજનાઓના લોન્ચિંગ અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ સવારે કરણી માતા મંદિરે દર્શન કર્યા અને 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ દેશના ૧૮ રાજ્યોના ૮૬ જિલ્લામાં બનેલા ૧૦૩ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત તેના રેલવે નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં પહેલી જાહેર સભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, પહલગામ આતંકી હુમલા પછી આપણા સૈન્યને ખુલ્લી છૂટ આપવામાં આવી અને ત્રણેય સેનાએ એવું ચક્રવ્યૂહ રચ્યું કે, પાકિસ્તાને ઘૂંટણીયે આવી જવું પડયું.
પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધૂ જળ સમજૂતીને હાલ અટકાવી દેવાના નિર્ણયને મજબૂતીથી વળગી રહેતા પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાનને ભારતના હકનું પાણી નહીં મળે. કોઈપણ તાકાત ભારતના આ સંકલ્પને રોકી નહીં શકે. જે પાકિસ્તાન આતંકીઓને સાથ આપશે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. એટલું જ નહીં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને પણ સ્પષ્ટ સંદેશો આપતા મોદીએ કહ્યું કે, પાકિસ્તાન સાથે વેપાર પણ નહીં થાય કે વાર્તા પણ નહીં. હવે માત્ર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અંગે જ વાત થશે. વડાપ્રધાને કહ્યું કે, મારી નસોમાં હવે ગરમ લોહી નહીં, પરંતુ સિંદૂર વહે છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે દરેક આતંકી હુમલાની પાકિસ્તાને ભારે કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનના રહિમ યાર ખાન એરબેઝને એટલું નુકસાન થયું છે કે તે હવે આઈસીયુમાં પડયું છે.
તેમણે ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામે લડવા માટેના ત્રણ નિયમ નક્કી કરી દીધા છે. પહેલો ભારતમાં કોઈ આતંકી હુમલો કરશે તો તેને ઉગ્ર અને આકરો જવાબ અપાશે. તેને દેશ વિરુદ્ધ યુદ્ધ માનવામાં આવશે અને જવાબ આપવાનો સમય ભારતીય સેના નક્કી કરશે. બીજો, ભારત પરમાણુ ધમકીથી નહીં ડરે. ત્રીજો, આતંકવાદી અને તેનું સમર્થન કરનારી સરકારને એક સમાન માનવામાં આવશે. ઓપરેશન સિંદૂર પહલગામના બદલાનો ખેલ નથી, પરંતુ ન્યાયની રીત છે. આ એક મજબૂત ભારતની તાકત છે. આ ભારતનું નવું રૂપ છે. પહેલા દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલા કરતું હતું, હવે આપણે સીધા છાતી પર પ્રહાર કર્યો છે.