Get The App

Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો 1 - image


What Is the International Solar Alliance  :  અમેરિકાના પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઘણાં આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. અત્યાર સુધીમાં તેમણે અમેરિકાને 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર કાઢી લીધું છે. તાજેતરમાં તેમણે અમેરિકાને ભારતની આગેવાનીમાં ચાલતા ‘આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ’ (ISA)માંથી પાછું ખેંચી લીધું છે. ત્યારે સવાલ એ છે કે, અમેરિકાએ શા માટે ISA ને અલવિદા કહી દીધું? આનો જવાબ જાણવા માટે પહેલાં ISA ખરેખર છે શું છે, એ સમજવું પડશે. 

સ્વચ્છ ઊર્જાની શોધમાં રચાયું સંગઠન

દુનિયાભરમાં ખનીજ ઇંધણ (કોલસો, પેટ્રોલ) નો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ઘણાં દેશો વર્ષોથી ચર્ચા કરે છે, પરંતુ વ્યવહારિક પગલાં ઓછાં જ લેવાયાં છે. આ મુદ્દે ભારતે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. 2015માં પેરિસમાં યોજાયેલા ક્લાઈમેટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ મળીને 'આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ' (International Solar Alliance - ISA) ની જાહેરાત કરી હતી, જેનો ધ્યેય હતો સૌર ઊર્જાનો વધુ પ્રચાર અને પ્રસાર કરવો.

ISA કેમ ખાસ છે?

ISA એક અનોખું વૈશ્વિક સંગઠન છે. તેનું મુખ્ય મથક ભારતના ગુરુગ્રામ શહેરમાં છે. તેનું સરળ સૂત્ર છે: ‘ચાલો આપણે સૂર્યને વધુ તેજસ્વી બનાવીએ.’ તેનું લક્ષ્ય છે કે ‘ગમે તેટલું દૂર વસેલું હોય, દરેક ઘરમાં પ્રકાશ પહોંચાડવો.’

આ સંગઠન ફક્ત સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપતું નથી, પરંતુ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા, ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને વિકાસશીલ દેશોને સશક્ત બનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિકાસશીલ દુનિયા માટે ફાયદાનો સોદો

ISAનો મુખ્ય હેતુ એ છે કે, સૂર્ય પ્રકાશમાંથી ઊર્જા બનાવવાની તકનીકને વિશ્વભરમાં, ખાસ કરીને સૂર્યપ્રકાશ વધુ મળતો હોય તેવા દેશોમાં, સસ્તી અને સુલભ બનાવવી. જો કે, આવા દેશો મોટે ભાગે વિકાસશીલ દુનિયામાં આવેલા છે.

Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો 2 - image

ISA કેવી રીતે કામ કરે છે?

ISA એ ફક્ત વાતોના વડા કરવાનું મંચ નથી. તે વ્યવહારુ કામ કરે છે:

1. તાલીમ અને જ્ઞાન: તે સૌર ઊર્જા વિશે તાલીમ, સંશોધન અને નવી તકનીકોને પ્રોત્સાહન આપે છે. ભારત સરકારના સમર્થનથી ITEC (Indian Technical and Economic Cooperation) યોજના હેઠળ સૌર ઊર્જા ક્ષેત્રમાં તાલીમ અપાય છે. આ 21 દિવસીય તાલીમનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ભોગવે છે.

2. નાણાકીય મદદ: તે સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ભેગું કરવામાં મદદ કરે છે.

3. મહત્ત્વાકાંક્ષી યોજનાઓ: ISA ‘એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ’ જેવી મોટી યોજનાઓ બનાવી રહ્યું છે, જેનો ધ્યેય સૌર ઊર્જાનું વૈશ્વિક નેટવર્ક ઊભું કરવાનો છે.

ISAના સભ્યો કોણ?

ISAમાં જોડાવા માટે મૂળરૂપે એવા દેશોને આમંત્રણ હતું જે કર્ક અને મકર રેખા વચ્ચે આવેલા હોય અને જ્યાં સૂર્યપ્રકાશ વિપુલ પ્રમાણમાં મળતો હોય. પરંતુ હવે તો વિશ્વના લગભગ તમામ દેશો તેમાં જોડાઈ શકે છે. આજ સુધી 106 દેશે ISA ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમાંથી 86 દેશે તેને બહાલી આપી છે. ISAને સંયુક્ત રાષ્ટ્ર (UN) તરફથી પણ માન્યતા મળી છે.

અમેરિકાના નીકળી જવાથી સંગઠન પર શું અસર થશે?

ટ્રમ્પ સરકારે ક્લાઈમેટ ચેન્જના કરારો પ્રત્યેના સંશયના કારણે ISA છોડી દીધું છે. જો કે, અમેરિકાના ખસવાથી ISAની દિશા પર ફરક પડ્યો નથી. ભારત અને ફ્રાંસ જેવા મુખ્ય સભ્યો આગેવાની લઈ રહ્યા છે, અને યુરોપિયન યુનિયન જેવા મોટા ભાગના દેશો ISA સાથે જોડાયેલા છે. તેથી અમેરિકાની ગેરહાજરીમાં પણ સંગઠનના કામકાજ અને પ્રોજેક્ટ્સ પર વિશેષ ફરક પડશે નહીં.

ભારત માટે ISA મહત્ત્વપૂર્ણ છે 

કોઈ પણ વૈશ્વિક સંગઠનના સ્થાપક અને લીડર હોવું એ સન્માનની વાત છે. ISA એ ભારતની વૈશ્વિક નેતૃત્ત્વ ક્ષમતા દર્શાવતી મહત્ત્વપૂર્ણ પહેલ છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ રક્ષણ અને ટકાઉ વિકાસને એક સાથે જોડે છે. અમેરિકાનો સહયોગ ન હોવા છતાં, વિશ્વના અનેક દેશોના સમર્થનથી ISA સૂર્ય આધારિત ઊર્જા ક્રાંતિને આગળ વધારવાનું કામ ચાલુ રાખશે.