જાણો શું છે E-Highway? ભારતમાં કયાં બનવા જઇ રહ્યો છે આવો રોડ?
નવી દિલ્હી, તા. 13 જુલાઇ 2022,બુધવાર
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે, સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે(electric highway) બનાવવા માંગે છે. તેમણે ભારે વાહનોના માલિકોને ઇથેનોલ, મેથેનોલ તેમજ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ શરૂ કરવા વિનંતી કરી છે.
હાઈડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 11 જુલાઈના રોજ એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “અમારી પાસે દિલ્હીથી મુંબઈ સુધીનો ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના છે. ટ્રોલીબસની જેમ તમે તેના પર ટ્રોલી ટ્રક પણ ચલાવી શકો છો.”
આ ઉપરાંત ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 2.5 લાખ કરોડ રૂપિયાથી ટનલ બનાવી રહ્યા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઈ-હાઈવે બનાવવાની યોજના
ગયા સંસદીય સત્ર દરમિયાન, ગડકરીએ કહ્યું હતું કે સરકાર 1,300 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi Mumbai Expressway) પર એક અલગ ‘ઈ-હાઈવે’ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રક અને બસ દોડી શકશે.
દિલ્હી-જયપુર સુધી ઈ-હાઈવે બનાવવાનો પ્રસ્તાવ
કેન્દ્રીય મંત્રીએ ગયા વર્ષે કહ્યું હતું કે "દિલ્હીથી જયપુર સુધીનો ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાનું તેમનુ સપનું છે. આ હજુ પણ પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે. અમે આ અંગે વિદેશી કંપની સાથે વાતચીત કરી રહ્યા છીએ.
2016માં ગડકરીએ કહ્યું હતું કે, ભારતમાં ઈ-હાઈવે બનાવી શકાય છે, જે સ્વીડન જેવા હશે.
ઈ-હાઈવે શું છે?
ઈ-હાઈવે એ એક એવો રોડ છે જે ચાલતા વાહનોને વીજળી પૂરી પાડે છે, ખાસ કરીને ઓવરહેડ પાવર લાઈનો દ્વારા વીજળી ઉપલબ્ધ કરાવે છે.
જો કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, જે હાલમાં નિર્માણાધીન છે, તેમાં ઇલેક્ટ્રિક હાઇવે માટે અલગ લેન હોવાની આશા છે. જે ઈલેક્ટ્રિક વાહનો અને ટુ વ્હીલર કરતાં ઈલેક્ટ્રિક ટ્રક અને બસ માટે સંભવિત રીતે વધુ યોગ્ય છે. પશ્ચિમી દેશોમાં આ એક નવો કોન્સેપ્ટ છે. સિમેન્સે 2012માં જર્મનીમાં ટ્રોલી જેવા વાહનોનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું.