શું છે ચીનની ફાઈવ ફિંગર પોલિસી? જેમાં ભારતના આ ત્રણ રાજ્યોનો થાય છે સમાવેશ
- જવાહરલાલ નહેરૂએ સરહદ વિવાદના અંતિમ સમાધાન માટે તેમના 'પેકેજ ડીલ'ના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો
નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2022, શનિવાર
તાજેતરમાં ચીનની સેનાએ LAC પર અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સેમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ તત્પરતા સાથે નિષ્ફળ બનાવ્યો હતો. જો કે આ અથડામણમાં બંને દેશોના કેટલાક જવાનો ઘાયલ થઈ ગયા હતા. ચીની સૈનિકોની સાથે ભારતીય જવાનોની અથડામણની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ડોકલામ અને ગલવાનમાં આવી અથડામણો થઈ ચૂકી છે.
વાસ્તવમાં ચીન પોતાની સામ્રાજ્યવાદી નીતિ હેઠળ દાયકાઓથી પાડોશી દેશોના ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે. તે તેના પર કબજો કરવાનો પ્રયાસ કરતું રહે છે. તેથી ચીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના અનેક વિસ્તારોમાં માત્ર માળખાગત સુવિધાઓ જ નથી વિકસાવી પરંતુ ઘણા વિસ્તારોમાં લશ્કરી ગામો પણ સ્થાપ્યા છે. તવાંગની બીજી બાજુ પણ ચીને આવું જ કર્યું છે.
શું છે ચીનની ફાઈવ ફિંગર પોલીસી
1940ના દાયકામાં ચીનની ક્રાંતિને સફળ બનાવવામાં માઓ-ત્લે ગુંએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. માઓ આધુનિક ચીનના સૌથી શક્તિશાળી વિચારક હતા, જેમણે તિબેટને ચીનની હથેળી અને લદ્દાખ, નેપાળ, સિક્કીમ, ભૂતાન અને અરૂણાચલ પ્રદેશને પોતાની 5 આંગળીઓ માનતા હતા. માઓ માનતા હતા કે મજબૂત ચીન માટે આ વિસ્તારોને આઝાદ કરવાની જવાબદારી ચીનની છે.
દાવો જૂનો છે
1954માં તિબેટમાં ચીની અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ સિક્કિમ, ભૂતાન અને અરૂણાચલ પ્રદેશને પણ મુક્ત કરશે જે ભારતીય સામ્રાજ્યવાદીઓ દ્વારા ખોટી રીતે જોડવામાં આવ્યા હતા. તે જ વર્ષે ચીની સરકારે 'ધ બ્રિફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ચાઈના' શીર્ષકવાળી એક શાળા પુસ્તક પ્રકાશિત કરી હતી. તેમાં 1840 અને 1919 વચ્ચે 'સામ્રાજ્યવાદી શક્તિઓ' દ્વારા કથિત રીતે લીધેલા પ્રદેશોને દર્શાવતો નકશો સામેલ હતો. આ નકશામાં લદ્દાખ, નેપાળ, ભૂતાન, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશને પણ ચીનના ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.
નહેરૂએ 'પેકેજ ડીલ' પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો
પુસ્તકમાં એ બાબત પર જોર આપવામાં આવ્યું હતું કે આ પ્રદેશો 'ચીનના ભાગો છે જેને પુનઃપ્રાપ્ત કરવા જોઈએ'. 1960માં પ્રીમિયર ચાઉ એનલાઈની મહત્વપૂર્ણ મુલાકાત બાદ એવા અહેવાલો વધ્યા હતા પરંતુ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ સરહદ વિવાદના અંતિમ સમાધાન માટે તેમના 'પેકેજ ડીલ'ના પ્રસ્તાવને નકારી દીધો હતો. જો ચીન આ યોજનામાં સફળ થઈ ગયું હોત તો સમગ્ર હિમાલય પર તેનો કબજો થઈ ગયો હોત.