India

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી

By GS TEAM
5 Oct 20252 mins read
પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી

- બાંગ્લાદેશની સરહદ વિશ્વની પાંચમી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સરહદ

- ભારતમાં કુલ ૬૯૫૬ વિદેશીઓ કેદીઓ, જેમાંથી ૨૫૦૮ એટલે કે ૩૬ ટકા વિદેશી કેદીઓ પ. બંગાળની જેલોમાં બંધ

- પ.બંગાળની જેલોમાં બંધ કુલ વિદેશી કેદીઓમાં સૌથી વધારે ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ

નવી દિલ્હી : ભારતની અનેક જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે. જેમાં વિદેશી કેદીઓનો પણ સમાવેશ થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર સૌથી વધારે વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. 

ભારતમાં કુલ ૬૯૫૬ વિદેશીઓ કેદીઓ છે જેમાંથી ૨૫૦૮ એટલે કે ૩૬ ટકા વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ કુલ વિદેશી કેદીઓમાં સૌથી વધારે કેદીઓ બાંગ્લાદેશના છે. જે ગેરકાયદે ભારતમાં ઘૂસી આવ્યા હતાં. હવે તેમની વિરુદ્ધ ભારતમાં કેસ ચાલી રહ્યો છે. 

પશ્ચિમ બંગાળની જેલમાં ૨૫,૭૭૪ કેદી બંધ છે. જેમાં ૯ ટકા વિદેશી નાગરિક છે. જે પૈકી ૭૭૮ બાંગ્લાદેશી કેદીઓની વિરુદ્ધ અપરાધ સાબિત થઇ ગયા છે અને ૧૪૪૦ની વિરુદ્ધ કેસ વિચારાધીન છે. પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ વિદેશી નાગરિકોમાં બીજા નંબરે મ્યાનમારથી આવેલા લોકો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની સરહદ વિશ્વની પાંચમી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સરહદ છે. જે લગભગ ૫૦૦૦ કિલોમીટર લાંબી છે. તેનો મોટાભાગનો હિસ્સો પશ્ચિમ બંગાળથી જોડાયેલો છે. આ જ કારણ છે કે અનેક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળમાં ઘૂસી આવે છે. આ વિદેશી કેદીઓમાં અનેક મહિલાઓ પણ સામેલ છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળની જેલોમાં ક્ષમતાથી ઘણા વધારે કેદીઓ છે. ૨૦૨૩માં કેદીઓની સંખ્યા ૧૨૦ ટકા આંકવામાં આવી હતી. રાજ્યની ૬૦ જેલોની ક્ષમતા ૨૧,૪૭૬ કેદીઓની છે પરંતુ તેમાં ૨૫,૭૭૪ કેદીઓ બંધ છે. જ્યારે રાજ્યની એક માત્ર મહિલા જેલમાં ૧૧૦ ટકાથી વધારે કેજીઓ છે. આ જેલમાં કુલ ૭૯૬ મહિલા કેદી છે જેમાં ૨૦૪ વિદેશી અને ૧૨ ટ્રાન્સજેન્ડર મહિલાઓ પણ સામેલ છે.