India

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનરજી ભડક્યાં, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો

By GS TEAM
30 Apr 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગઈકાલે 29 તારીખે પૂર્ણ થઈ ગયું છે. હવે રાહ છે તો માત્ર 4 મેની. આ દિવસે મત પેટીઓ ખુલશે અને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ વખતે બે તબક્કામાં થયેલા મતદાનમાં સરેરાશે 91.8 ટકા જેટલું બમ્પર વોટિંગ થયું. ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. એક્ઝિટ પોલના અનુમાનની વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનરજી ભડક્યાં, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો

West Bengal Election: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગઈકાલે 29 તારીખે પૂર્ણ થઈ ગયું છે. હવે રાહ છે તો માત્ર 4 મેની. આ દિવસે મત પેટીઓ ખુલશે અને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ વખતે બે તબક્કામાં થયેલા મતદાનમાં સરેરાશે 91.8 ટકા જેટલું બમ્પર વોટિંગ થયું. ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. એક્ઝિટ પોલના અનુમાનની વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

TMC 226થી વધુ બેઠકો જીતશે: મમતા બેનરજી

વીડિયોમાં મુખ્યમંત્રી મમતાએ જનતાને સંબોધિત કરતાં તેમનો આભાર વ્યક્ત કર્યો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનેલી ઘટનાઓ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓ અને દબાણ હોવા છતાં જનતાએ લોકશાહીમાં વિશ્વાસ બતાવીને મોટી સંખ્યામાં મતદાન કર્યું. મમતા બેનરજીએ પોતાના સંબોધનની શરૂઆત બંગાળની જનતાને પ્રણામ, સલામ અને શુભેચ્છાઓ આપીને કરી. તેમણે કહ્યું કે, કાળઝાળ ગરમી અને અત્યાચાર છતાં લોકોએ લાઇનમાં ઊભા રહીને વોટ આપ્યા, જેના માટે તેઓ અત્યંત આભારી છે. તેમણે પાર્ટીના કાર્યકરોનો પણ આભાર માન્યો, જેમણે 'જીવન દાવ પર લગાવીને' સંઘર્ષ કર્યો અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો. સાથે જ તેમણે દાવો કર્યો કે આ વખતની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) 226થી વધુ બેઠકો જીતશે.

એક્ઝિટ પોલ અને મીડિયા પર સવાલ

મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર, કેન્દ્રીય એજન્સીઓ અને ઘણા રાજ્યોના નેતાઓએ મળીને બંગાળના લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે 'આખી મશીનરી'નો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ જનતાએ વોટ દ્વારા તેનો જવાબ આપી દીધો છે. મમતા બેનરજીએ દાવો કર્યો કે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક્ઝિટ પોલ દ્વારા વાતાવરણને પ્રભાવિત કરવા અને લોકોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમના મતે, આ અગાઉ પણ 2016 અને 2021માં જોવામાં આવ્યું છે.

કાર્યકરોને સતર્ક રહેવા અપીલ

મુખ્યમંત્રીએ પોતાના કાર્યકરો અને ઉમેદવારોને અપીલ કરી કે તેઓ મતગણતરી સુધી પૂરેપૂરી સતર્કતા જાળવી રાખે. તેમણે કહ્યું કે દિવસ-રાત દેખરેખ રાખો, કાઉન્ટિંગ સેન્ટર પર હાજર રહો અને કોઈપણ સંજોગોમાં બેદરકારી ન દાખવો. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ પોતે પણ દેખરેખ માટે મેદાનમાં ઉતરશે.

EVM મશીનો સાથે ચેડાં કરવાનો પ્રયાસ થઈ શકે

મમતા બેનરજીએ આશંકા વ્યક્ત કરી કે EVM મશીનો સાથે ચેડાં કરવાનો પ્રયાસ થઈ શકે છે. તેમણે કહ્યું કે મશીનોને સ્ટોર રૂમથી કાઉન્ટિંગ હોલ સુધી લઈ જવા દરમિયાન વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને કોઈપણ સ્તરે ફેરફારની શક્યતા નકારી શકાય નહીં.

'મા, માટી, માણસ'ના સિદ્ધાંત પર TMC સરકાર બનશે

તેમણે પોતાના સમર્થકોને સંયમ જાળવી રાખવા અપીલ કરી અને કહ્યું કે કોઈ પણ ઉશ્કેરણીમાં આવીને પ્રતિક્રિયા ન આપો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતાનું સમર્થન તેમની સાથે છે અને સરકાર 'મા, માટી, માણસ'ના સિદ્ધાંત પર જ બનશે. મમતા બેનરજીએ કહ્યું કે બંગાળની જનતાએ અત્યાચાર વિરુદ્ધ પોતાનો ચુકાદો આપી દીધો છે અને અંતિમ પરિણામ તેનો પુરાવો હશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પરિણામો તેમની તરફેણમાં આવશે અને તૃણમૂલ કોંગ્રેસ ફરીથી સરકાર બનાવશે.