- હોર્મુઝની ખાડીથી વેપાર પૂર્વવત્ કરવાની મોદીની અપીલ
- ઈરાનમાંથી 1000 સહિત .75 લાખ ભારતીયોને મધ્ય-પૂર્વમાંથી સલામત લવાયા
- દેશ પાસે 53 લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક રિઝર્વ જથ્થો છે ભારતે 27થી વધારીને 41 દેશો પાસેથી ક્રૂડની આયાત કરી
મોદીએ કહ્યું કે ભારત સ્પષ્ટ રીતે માને છે કે મધ્યપૂર્વમાં તણાવ તુરંત ઓછો થવો જોઈએ. શાંતિપૂર્ણ સમાધાન લાવવું જોઈએ. પશ્વિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિથી દુનિયામાં એનર્જી ક્રાઈસિસનું જોખમ સર્જાયું છે. નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા બિલકુલ યોગ્ય નથી. સરકાર સંવેદનશીલ છે, સતર્ક છે અને સહાયતા માટે તત્પર છે. ભારતની મહત્ત્વની આયાત હોર્મુઝની ખાડી મારફતે થાય છે. ક્રૂડ, ગેસ અને ફર્ટિલાઈઝર્સ સહિતની ચીજવસ્તુઓનો વેપાર પડકારજનક બની ગયો છે. સરકાર પ્રયાસો કરે છે કે ગેસ, પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પ્રભાવિત ન થાય. ભારત પહેલાં ૨૭ દેશોમાંથી ઉર્જાની આયાત કરતું હતું, હવે ૪૧ દેશો પાસેથી આયાત કરે છે.
ઈરાન યુદ્ધ દરમિયાન ઈરાનમાંથી ૧૦૦૦ ભારતીયો સહિત મધ્ય-પૂર્વ અને પશ્વિમ એશિયામાં ફસાયેલા ૩.૭૫ લાખ ભારતીયોને સલામત પાછા લવાયા છે. એમાં ૭૦૦ મેડિકલ સ્ટૂડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને કહ્યું હતું કે ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટન ક્રૂડનો રિઝર્વ જથ્થો છે અને તેને વધારીને ૬૫ લાખ મેટ્રિક ટન કરવાનો નિર્ધાર છે. કેન્દ્ર સરકાર દેશભરમાં ક્રૂડનો પૂરવઠો યોગ્ય રીતે મળે તે માટે કટિબદ્ધ છે.
મોદીએ યુદ્ધની ખેડૂતો પર શું અસર થશે તે સંદર્ભમાં કહ્યું હતું કે દેશના ખેડૂતોએ અન્નના ભંડારો ભરી રાખ્યા છે. દેશમાં પર્યાપ્ત ખાદ્યાન્ન છે. સરકારે દરેક સ્થિતિમાં લડવા માટે વ્યવસ્થા કરી છે. ખેડૂતોને વાવણીમાં કોઈ જ નુકસાન ન થાય તે માટે પણ વ્યવસ્થા થઈ છે. યૂરિયા જેવા ખાતરની કોવિડ મહામારી વખતે દુનિયાભરમાં અછત સર્જાઈ હતી, પરંતુ ભારતમાં ૩૦૦ રૂપિયાની કિંમતમાં ખાતર મળતું હતું. દેશમાં છ યૂરિયા પ્લાન્ટ કાર્યરત છે અને તેમાં ૭૫ લાખ મેટ્રિક ટનની ક્ષમતા છે. દેશના ખેડૂતોની સોલર પંપના કારણે ડીઝલ પરની નિર્ભરતા ઘટી છે એટલે પાક લેવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.


