આતંકી હુમલાથી અમને કોઇ આશ્ચર્ય નથી, અમે કેટલાક સપ્તાહથી સતર્ક હતા: ઇઝરાયેલનાં રાજદુત
હુમલાની તપાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને અમે તમામ પ્રકારની મદદ અને માહિતી આપીશું
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2021 શનિવાર
ભારતમાં ઇઝરાયેલનાં રાજદુત રોન મલકાએ કહ્યું કે તેમની પાસે એ માનવાનું પુરતું કારણ છે કે આ એક આતંકવાદી હુમલો હતો, પરંતું તેમને આ હુમલાથી કોઇ આશ્ચર્ય નથી, કેમકે કેટલાક સપ્તાહથી સતર્કતા વધારવામાં આવી છે, તેમણે કહ્યું તમામ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અમારા રાજદુતો પર અહીં 2012માં થયેલા હુમલાથી તથા દુનિયાભરમાં થઇ રહેલા ઘટનાક્રમથી કોઇ સંબંધ હોવાની સંભાવનાનો પણ સમાવેશ થાય છે.
જ્યારે તેમને પુછવામાં આવ્યું તે શું હુમલા પાછળનો હેતું વિવિધ આરબ દેશોની સાથે ઇઝરાયેલનાં શાંતિ પ્રયાસોને પાટા પરથી ઉતારવાનો હતો. તેમણે કહ્યું આ અમારા ક્ષેત્ર (પશ્ચિમ એશિયા) માં નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે.
જે અમને ભયભીત નહીં કરી શકે, અમારા શાંતિ પ્રયાસો ચાલુ જ રહેશે, તેમણે કહ્યું કે ઇઝરાયેલનાં અધિકારી હુમલાની તપાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને તમામ પ્રકારની મદદ અને માહિતી આપશે.
અત્રે ઉલ્લેખનિય છે કે નવી દિલ્હીનાં લુટિયન્સ ઝોનમાં આવેલા ઇઝરાયેલી દુતાવાસની બહાર શુક્રવાર સાંજે થયેલા IED વિષ્ફોટમાં કેટલીક મોટરકારોને નુકસાન થયું હતું.