PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર
WAVES Summit 2025: ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્ઝ 2025 નામનો એક ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કોન્ફરન્સ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસ સુધી ચાલશે. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વભરના ક્રિએટિવ લોકો, ઇન્વેસ્ટર, સ્ટાર્ટઅપ્સ અને ટૅક્નોલૉજી સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.
WAVES એક લહેર છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે WAVESનો અર્થ છે - વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ. તેમણે કહ્યું કે, 'WAVES એ ફક્ત એક ટૂંકું નામ નથી. તે ખરેખર એક લહેર છે. સંસ્કૃતિ, ક્રિએટિવિટી અને દુનિયાને જોડનારી એક લહેર છે. આ લહેર પર ફિલ્મો, સંગીત, ગેમિંગ, નવીનતા અને વાર્તા કહેવાની છે. આજે 100થી વધુ દેશોના કલાકારો, નવીનતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ અહીં એક છત નીચે ભેગા થયા છે. અમે પ્રતિભા અને રચનાત્મકતાના વૈશ્વિક ઈકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ. WAVES એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જે દરેક કલાકાર અને સર્જકનું છે.'
ભારતીય સિનેમાની સમગ્ર વિશ્વમાં ગુંજ: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું- ભારતીય સિનેમા સમગ્ર વિશ્વમાં ગુંજતું રહે છે. આપણે બધાનું દિલ જીતવું પડશે. વિકસિત ભારત તરફની આપણી યાત્રા હવે શરુ થઈ રહી છે. પીએમ મોદીએ આગળ કહ્યું- સંગીત આપણા માટે એક સાધના છે. ભારતના દરેક ખૂણામાં પ્રતિભા છે.'
આ પણ વાંચો: VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઈવર વિરુદ્ધ તપાસના આદેશ
આ ઑરેન્જ ઈકોનોમીના ઉદ્ભવનો સમય છે
પીએમ મોદીએ કહ્યું, 'આ સમય ભારતમાં ઑરેન્જ ઈકોનોમીના ઉદ્ભવનો છે. કન્ટેન્ટ, ક્રિએટિવિટી અને સંસ્કૃતિ - આ ત્રણેય આ ઑરેન્જ ઈકોનોમીના મજબૂત પાયા છે.'
તેમણે કહ્યું, 'હવે ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચી રહી છે. આજે આપણી ફિલ્મો 100થી વધુ દેશોમાં રિલીઝ થાય છે. તેથી, હવે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સબટાઇટલ સાથે ભારતીય કન્ટેન્ટ જોઈ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે.'