નાળામાં પડી જતાં 3 વર્ષના બાળકનું કરુણ મોત, પિતા કિનારે રડતાં હતા અને લાશ તરતી સામે આવી
Maharashtra Washim News: મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રણ વર્ષના બાળકનું નાળામાં પડી જવાથી મોત થયું છે. જિલ્લાના ગોંડેગાંવમાં ગુરુવારે સવારે 11 વાગ્યે, ત્રણ વર્ષનો બાળક સ્વરાજ તેના ઘરની સામે એકલો રમી રહ્યો હતો ત્યારે અચાનક નાળામાં પડી ગયો.
સ્વરાજના ઘરની નજીક ગ્રામ પંચાયત દ્વારા ગતવર્ષે નવુ નાળુ બનાવવામાં આવ્યું હતું. ગુરુવારે સાંજે વાશિમ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો ત્યારે નાળા વરસાદના પાણીથી છલકાઈ ગયા. જેથી બાળક અજાણતા નાળામાં પડી ગયું હતું. જેમાં પાણીના વહેણ સાથે તણાયુ હતું અને એક પાઈપમાં અટવાઈ ગયુ હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
બાળક નાળાની અંદર એક મોટા સિમેન્ટ પાઇપમાં ફસાઈ ગયું હતું. તેને પાઇપમાંથી બહાર કાઢવા માટે JCB બોલાવવામાં આવ્યું હતું. એક કલાકની મહેનત બાદ જેસીબી વડે બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકના મોતથી પરિવાર શોકમય બન્યું છે.
ગ્રામજનોએ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના માટે સ્થાનિક ગ્રામ પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવી છે. જિલ્લા પરિષદ વહીવટીતંત્ર આવતીકાલે ઘટનાની તપાસ કરશે અને જે કોઈ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરશે.