Get The App

વોરેન બફેટ વર્ષના અંત સુધીમાં બર્કશાયરનું સીઇઓ પદ છોડશે

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
વોરેન બફેટ વર્ષના અંત સુધીમાં બર્કશાયરનું સીઇઓ પદ છોડશે 1 - image


- વિશ્વના પાંચમા સૌથી ધનિકે અચાનક નિવૃત્તિ જાહેર કરી

- બર્કશાયરના ૬૨ વર્ષીય વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ એબેલ નવા સીઇઓ બનશે

નવી દિલ્હી: વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે સૌને ચોંકાવીને અચાનક પોતાની કંપની બર્કશાયર હેથવેના સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. 

૧૪ લાખ કરોડની સંપત્તિના માલિક ૯૪ વર્ષીય વોરેન બફેટનો પોતાના શેર દાન કરવાનો નિર્ણય

૯૪ વર્ષની ઉંમરના અબજપતિએ કંપનીની જવાબદારી અન્યને સોંપવાની જાહેરાત કરી છે. કંપની વાર્ષિક બેઠકમાં તેમણે પોતાની નિવૃત્તિ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે તે આ વર્ષના અંતમાં પોતાના પદેથી નિવૃત્ત થઇ જશે.

બર્કશાયરમાં ૬૦ વર્ષથી વધુની પોતાની કારકિર્દી સમાપ્ત કરવાની જાહેરાત  અબજપતિ વોરેન બફેટે ઓમાહામાં બર્કશાયરની વાર્ષિક બેઠકમાં કરી હતી. વાર્ષિક બેઠકને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે ચાલુ વર્ષના અંત સુધીમાં કંપનીને નવો સીઇઓ મળી જાય.

એટલે કે વોરેન બફેટ ૨૦૨૫નાં અંતમાં બર્કશાયર હેથવે છોડી દેશે અને તેમની જગ્યાએ નવા સીઇઓ જવાબદારી સંભાળી લેશે. વોરેન બફેટે અચાનક પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને કંપનીના ૪૦,૦૦૦થી વધુ હાજર રોકાણકારોને ચોંકાવી દીધા હતાં. જો કે રોકાણકારોએ બફેટના આ નિર્ણયનું ઉભા થઇ તાળીઓ પાડીને સ્વાગત કર્યુ હતું.

વાર્ષિક બેઠકમાં બર્કશાયરે પોતાના નિવૃત્તિની જાહેરાત સાથે જ તેમણે કંપનીના નવા ઉત્તરાધિકારી અંગે ચાલી રહેલા સસ્પેન્સને પણ દૂર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૫ના અંતમાં ગ્રેગને આવી જવુ જોઇએ. 

કંપનીના હાલના ઉપાધ્યક્ષ ગ્રેગ એબેલ બર્ક શાયરના નવા સીઇઓ હશે. ૬૨ વર્ષીય એબેલ ૨૦૧૮થી બર્કશાયરના ઉપાધ્યક્ષ છે અને તે નોન ઇન્સ્યોરન્સ બિઝનેસનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે. 

બર્કશાયર હેથવેનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧.૧૬ ટ્રિલિયન છે. પોતાની નિવૃત્તિની જાહેરાત સાથે જ ૯૪ વર્ષીય અબજપતિએ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે તે બર્થશાયર હેથવેેના શેરહોલ્ડર બની રહેશે. 

તેઓ કંપની માટે સલાહકારની ભૂમિકામાં સામેલ રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલમાં બર્કશાયરનો એક પણ શેર વેચવાનો મારો ઇરાદો નથી અંતમાં હું તેને દાનમાં આપી દઇશ.

Tags :