'વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે...', રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી
Rahul Gandhi Vote Adhikar Rally: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ અધિકાર રેલીને સંબોધિત કરતાં મત ચોરીનો મુદ્દો ફરી લોકો સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે વોટ ચોરીને બંધારણ સાથે દગો ગણાવ્યો હતો.
બંધારણ પર હુમલો કરશો તો અમે તમારા પર હુમલો કરીશું
ચૂંટણી પંચ ભાજપનું નથી, તે બંધારણ માટે કામ કરે છે. અને કર્ણાટકમાં બેઠકની ચોરી થઈ છે. એક બેઠકની ચોરી તો અમે પકડી પાડી છે. તમે બેઠકની ચોરી કરી બંધારણ પર આક્રમણ કરી રહ્યા છો. સમય લાગશે પણ અમે તમને પકડીશું. એક-એક કરીને પકડીશું, મારી વાત યાદ રાખજો. જો તમે બંધારણ પર હુમલો કરશો તો અમે તમારા પર હુમલો કરીશું.
પીએમ મોદી બેઠકોની ચોરી કરીને વડાપ્રધાન બન્યાઃ રાહુલ ગાંધી
જો અમને ઈલેક્ટ્રોનિક ડેટા મળી જાય તો અમે સાબિત કરી દઈશું કે વડાપ્રધાન મોદી બેઠકોની ચોરી કરી વડાપ્રધાન બન્યા છે. શા માટે ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા અને રેકોર્ડર આપી રહ્યુ નથી. કર્ણાટકમાં અમે જે ડેટા કાઢ્યો છે, તે એક મજબૂત પુરાવો છે. આ ચોરી શોધવામાં અમને છ મહિનાનો સમય લાગ્યો.
ચૂંટણી પંચે વેબસાઇટ બંધ કર્યાનો રાહુલનો દાવો
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ મારી પાસે સોગંદનામુ માગે છે. મેં સંસદમાં જ બંધારણ પર હાથ મૂકીને શપથ લીધા છે. આજે જ્યારે ભારતની પ્રજા અમારા ડેટા અંગે પંચને સવાલ કરે છે તો ચૂંટણી પંચે વેબસાઈટ જ બંધ કરી દીધી. પંચે રાજસ્થાન અને બિહારમાં વેબસાઈટ બંધ કરી રાખી છે કેમ કે તે જાણે છે કે જો ભારતી પ્રજા આ ડેટા અંગે સવાલ કરવાનું શરૂ કરશે તો તેમની પોલ ખુલી જશે.
મહાદેવપુરામાં દર છમાંથી એક મતની ચોરી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં અમારા સર્વેમાં અમે 15-16 બેઠકો પર જીતી રહ્યા હતા, પરંતુ અમે માત્ર નવ બેઠકો જીત્યા. ચૂંટણી પંચે મતદારોની યાદી સાથે ચેડાં કર્યા. મહાદેવપુરામાં 6.5 લાખ મતદારો હતા. 1,00250 મતની ચોરી થઈ. અર્થાત દર છમાંથી એક મતની ચોરી થઈ.
વીડિયોગ્રાફી કેમ સોંપી રહ્યું નથીઃ રાહુલ ગાંધીનો સવાલ
રાહુલ ગાંધીએ મતની ચોરી વિશે આગળ વધુ જણાવ્યું કે, ચૂંટણી પંચ અમને શા માટે ઈલેક્ટ્રોનિક ડેટા કે વીડિયોગ્રાફી સોંપી રહ્યું નથી. ભાજપ અને ચૂંટણી પંચે સાથે મળીને એક લાખ મતની ચોરી કરી. 12,000 ડુપ્લિકેટ વોટર ઉભા કર્યા. 40,000 મતદારોના નકલી એડ્રેસ બનાવ્યા. તેમજ 10,400 મતદારોએ એક જ સરનામા પરથી મત આપ્યાં.