Putin India Visit LIVE: PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા

Putin India Visit: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 6:45 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થયું હતું. અહીં વડાપ્રધાન મોદીએ ગળે લગાવીને મિત્ર પુતિનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપ્રમુખનું ગાર્ડ ઑફ ઓનરથી સ્વાગત કરાયું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં પીએમ આવાસ પહોંચ્યા હતા. જ્યાં પુતિન માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેઓ આવતીકાલે (5 ડિસેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 23માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. હાલ પુતિનની સુરક્ષાને લઈને દિલ્હીમાં સુરક્ષા હાઇ ઍલર્ટ પર છે.
મને મારા મિત્ર પુતિનનું સ્વાગત કરવાની ખુશી છે: વડાપ્રધાન મોદી
પુતિનના આગમન બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેટલીક તસવીરો શેર કરીને લખ્યું છે કે, 'મને મારા મિત્ર પ્રમુખ પુતિનનું દિલ્હીમાં સ્વાગત કરવાની ખુશી છે. હું આજે સાંજે અને આવતીકાલે પુતિન સાથેની મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે, તેનાથી આપણા લોકોને અપાર લાભ થયો છે.'
પુતિન વડાપ્રધાન મોદી સાથે પ્રાઇવેટ ડિનર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દિલ્હીમાં પીએમ આવાસ 7 LKM ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓના પ્રાઇવેટ ડિનર અને મુલાકાતનું આયોજન કરાયું છે.
પાલમ ઍરપોર્ટથી બંને નેતા એક જ કારમાં વડાપ્રધાનના આવાસ પહોંચ્યા
રશિયાના પ્રમુખ પુતિનનું વિમાન મોસ્કોથી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતા એક જ કારમાં વડાપ્રધાનના આવાસ પહોંચ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે, જેમાં S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદીનો સમાવેશ થાય છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની છેલ્લી મુલાકાત 6 ડિસેમ્બર, 2021ના રોજ થઈ હતી, એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે.
પ્રમુખ પુતિનની મુલાકાત ભારત-રશિયા વ્યૂહાત્મક સંબંધોની 25મી વર્ષગાંઠ નિમિત્તે છે. 2000માં રશિયાના પ્રમુખ પુતિન અને તત્કાલીન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરુઆત કરી હતી.
પુતિનની સાથે રશિયાનું વિશેષ બિઝનેસ ડેલિગેશન પણ હાજર
રશિયાના પ્રમુખ પુતિનની સાથે એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ ભારત આવી પહોંચ્યું છે. આ બિઝનેસ ડેલિગેશનમાં રાજેશ શર્મા પણ છે, જેની રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. તેઓ 34 વર્ષથી રશિયામાં રહે છે. રશિયાની ફાર્મા કંપનીઓને ભારત સાથે મોટા કરાર થવાની આશા છે.
રશિયન સંરક્ષણ મંત્રીને માનેકશૉ સેન્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું
રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈને માનેકશૉ સેન્ટર ખાતે ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષે નેશનલ વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈ આજે માણેકશૉ સેન્ટર ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રી સ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.
રશિયાના સંરક્ષણ મંત્રી પણ નવી દિલ્હીમાં હાજર
રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ભારતની મુલાકાતે છે. જોકે તેમના પહેલા રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રેઈ બેલોઉસાવ દિલ્હી પહોંચ્યા હતા. પાલમમાં એરફોર્સ સ્ટેશન પર ભારતના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ ત્યાં હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આંદ્રેઈ બેલોઉસાવ ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય ટેકનિકલ સહયોગ આયોગની 22મી બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં બંને દેશ રક્ષા ક્ષેત્રમાં ચાલી રહેલા બહુસ્તરીય સહયોગ, સૈન્ય અને સૈન્ય ટેકનિકલ ભાગીદારી સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. સાથે જ એકબીજાના હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચાર આપ-લે કરી.
'દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ', દિલ્હી આવતા પહેલાં બોલ્યા પુતિન
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમની ભારત મુલાકાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'PM મોદી કોઈના દબાણ સામે ઝૂકી જાય તેવા નેતા નથી.' પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને ભારત બંને અમેરિકાના ટેરિફ અને આંતરરાષ્ટ્રીય દબાણોનો સામનો કરી રહ્યા છે.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગેના સવાલના જવાબમાં રશિયાના પ્રમુખ પુતિને પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા નથી કે જે દબાણ સામે ઝૂકી જાય. દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે અને દેશને તેના નેતૃત્વ પર ગર્વ હોવો જોઈએ.'
પુતિન 23મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે
વ્લાદિમીર પુતિન 23મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. આ ભારત અને રશિયા વચ્ચે વાર્ષિક બેઠક છે, જે સામાન્ય રીતે ડિસેમ્બરમાં યોજાય છે અને ભારત અને રશિયા દ્વારા વારાફરતી આયોજિત થાય છે. S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી અને Su-57 ફાઇટર જેટ સહિત સંરક્ષણ સોદાઓની ચર્ચા કરવામાં આવશે. ચર્ચાઓ તેલ પુરવઠો વધારવા અને પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહયોગ માટે નવા માર્ગો શોધવા પર પણ કેન્દ્રિત રહેશે. 2030 સુધીમાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને $100 બિલિયન સુધી વધારવાનો ઉદ્દેશ્ય છે.
પુતિનનના ભારત પ્રવાસનો કાર્યક્રમ (5 ડિસેમ્બર)
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની મુલાકાત માટે ભારત આવી પહોંચ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી સાથે પ્રાઇવેટ ડિનર કરશે, ત્યારબાદ પુતિનનું આવતીકાલે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
5 ડિસેમ્બર
• સવારે 11:00 વાગ્યે - રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત
• સવારે 11:30 વાગ્યે - રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
• સવારે 11:50 વાગ્યે - હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
• બપોરે 01:50 વાગ્યે - હૈદરાબાદ હાઉસમાં પ્રેસ સ્ટેટમેન્ટ્સ
• સાંજે 07:00 વાગ્યે - પુતિન રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત
• રાત્રે 09:00 વાગ્યે - ભારતથી રશિયા માટે રવાના થશે
પુતિનની 10મી ભારત મુલાકાત
ઉલ્લેખનીય છે કે, પુતિનની આ ડિસેમ્બરની મુલાકાત ભારતની તેમની દસમી મુલાકાત હશે. આમાંથી ત્રણ મુલાકાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન (2016, 2018 અને 2021) થઈ હતી. વડાપ્રધાન મોદી પણ અત્યાર સુધીમાં સાત વખત રશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.

