મોટું કૌભાંડ! કેનેડામાં 700 વિદ્યાર્થીના દસ્તાવેજ બોગસ નીકળતાં ભાવિ અધ્ધરતાલ, ભારત પરત મોકલાશે
કેનેડા સરકારે આ વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવાની તૈયારી કરતાં બંને દેશોમાં હડકંપ
આરોપી રાહુલ ભાર્ગવની ધરપકડ, બીજો આરોપી બ્રિજેશ મિશ્રા વિદેશ ભાગી ગયો
image : Twitter |
કેનેડાની સરકાર પંજાબથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલા 700 વિદ્યાર્થીઓને પરત મોકલવાની તૈયારી કરી રહી છે. પંજાબના જલંધર જિલ્લાના બે એજન્ટોએ વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજોની મદદથી કેનેડા મોકલ્યા હતા. આ મામલે પોલીસે આરોપી રાહુલ ભાર્ગવની ધરપકડ કરી હતી. બીજો આરોપી બ્રિજેશ મિશ્રા વિદેશ ભાગી ગયો છે. તેની સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જારી કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રીએ લખ્યો હતો પત્ર
દરમિયાન કેનેડામાં ફસાઈ ગયેલા આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ સમગ્ર કાંડમાં અમારી કોઈ ભૂલ નથી. આ વિદ્યાર્થીઓ ત્યાં હાઈકમિશનની બહાર ધરણા પર બેસી ગયા હતા. દરમિયાન પંજાબ સરકારે વિદ્યાર્થીઓના સમર્થનમાં કેન્દ્રને પત્ર પણ લખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના વિઝાને ધ્યાનમાં લઈને તેમને વર્ક પરમિટ આપવા અપીલ કરવામાં આવી હતી.
નકલી એડમિશન લેટર દ્વારા પ્રવેશ મેળવવાનો આરોપ
કેનેડાથી 700 વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમના પર નકલી એડમિશન લેટરની મદદથી એડમિશન લેવાનો આરોપ છે. આ વિદ્યાર્થીઓ 2018-19માં સ્ટડી વિઝા પર કેનેડા ગયા હતા. તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ક પરમિટ પણ મેળવી લીધી. જ્યારે આ મામલે અધિકારીઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમણે નકલી દસ્તાવેજો પર વિઝા મેળવ્યા હતા.
એક આરોપી પકડાયો, બીજો વિદેશ ભાગી ગયો
ADCP જલંધર આદિત્યએ જણાવ્યું હતું કે, "બે એજન્ટોએ વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કેનેડા મોકલ્યા હતા. પોલીસે આરોપી રાહુલ ભાર્ગવની ધરપકડ કરી છે. બીજા આરોપી બ્રિજેશ મિશ્રા સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરવામાં આવી છે." આ મામલે પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે પણ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યુ કે "જો તમે વ્યક્તિગત રીતે આ મામલાને ફરીથી તપાસશો તો હું આભારી રહીશ. કેનેડા સરકાર અને કેનેડાના હાઈ કમિશન સહિત સંબંધિત એજન્સીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવો, જેથી આ વિદ્યાર્થીઓને પરત આવતા અટકાવી શકાય." સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નકલી વિઝા કેવી રીતે આપી શકાય? શું કોઈ સરકારી મદદ કે અધિકારીઓની મિલીભગત વિના એજન્ટો બંને દેશો વચ્ચે સક્રિય થયા હશે? શું આ એક મોટું કૌભાંડ છે જેની તપાસ કરવાની જરૂર છે?