'તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?', ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો

Karnataka BJP Leader Son: કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો સીસીટીવી વીડિયો ઝડપથી વાઇરલ થયો છે. જેમાં તે ટોલ બુથના કર્મચારી સાથે અભદ્ર ભાષામાં ગેરવર્તણૂક કરી માર મારતો જોવા મળે છે. વિજયપુરા-કાલાબુરાગી હાઇવે પર આવેલા ટોલ બુથ પર આ બનાવ બન્યો હતો.
વિજયપુરા-કાલાબુરાગી હાઇવે સ્થિત કન્નોલી ટોલ પ્લાઝા પર ગઈકાલે 30 ઑક્ટોબરે ગુરુવારે ભાજપ નેતા વિજુગૌડા પાટિલના પુત્ર સમર્થગૌડાએ ટોલ બુથના કર્મચારીઓ પર દાદાગીરી કરી હતી. તેણે કર્મચારી પર બૂમો પાડી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી માર માર્યો હતો. સમર્થગૌડા સાથે રહેલા તેના મિત્રોએ પણ કર્મચારી પર હુમલો કર્યો હતો.
 
સમર્થગૌડાએ કરી દાદાગીરી
પોલીસના જણાવ્યા અનુસાર, સમર્થગૌડા તેના સાથી મિત્રો સાથે વિજયપુરાથી સિંદગી મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે તેમને ટોલ બુથ પર અટકાવી ટોલ ચૂકવવા કહેવામાં આવ્યું હતું. જેથી સમર્થગૌડાએ પોતાના પિતાના પદનો દુરુપયોગ કરતાં કર્મચારીઓ પર દાદાગીરી કરી હતી. તેણે કહ્યું કે, 'તમે મને ઓળખો છો હું કોણ છું? હું ભાજપ નેતા વિજુગૌડા પાટિલનો પુત્ર છું.'
કર્મચારીએ સામો પ્રશ્ન કરતાં ઉશ્કેરાયો
કર્મચારીએ સામો પ્રશ્ન કર્યો હતો કે, કોણ વિજુગૌડા? તે સમયે સમર્થગૌડા અને તેના મિત્રો ઉશ્કેરાયા હતા અને કર્મચારી સાથે મારામારી કરી અભદ્ર શબ્દો કહ્યા હતા. બુથ પર હાજર અન્ય કર્મચારીઓએ દખલગીરી કરી આ હિંસક ઝઘડો બંધ કરાવ્યો હતો. ટોલ બુથનો પીડિત કર્મચારી સંગાપ્પા હતો. તે મારામારીમાં ઈજાગ્રસ્ત થતાં તેને સિંદગી તાલુકા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે બૂથના કર્મચારી તરફથી કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. પરંતુ સીસીટીવીનો વીડિયો વાઇરલ થતાં ઘટનાની જાણ થઈ હતી.
 
પિતાએ પુત્રનો બચાવ કર્યો
વિજુગૌડા પાટિલે પોતાના પુત્રની આ વર્તૂણક અને દાદાગીરીને સ્વાભાવિક ગણાવતાં બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાડી પર લખ્યું હતું કે, વિજુગૌડાની ગાડી છે, તેમ છતાં ટોલબૂથના કર્મચારીએ પૂછ્યું કે, કોણ વિજુગૌડા? જેથી મારા પુત્રને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.


 
