ત્રિપુરા વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અશ્લિલ ફિલ્મ જોતા હોવાનો વીડિયો વાયરલ
BJP ધારાસભ્ય અશ્લિલ ફિલ્મ જોઈ રહ્યા હતા, ત્યારે પાછળની સીટ પરથી કોઈકે વીડિયો ઉતારી લીધો
ભાજપે ધારાસભ્ય જાદવ લાલ પાસેથી ખુલાસો માગ્યો : અગાઉ પણ ભાજપના 2 મંત્રી અશ્લીલ ક્લિપ્સ જોતા પકડાયા હતા
ગુવાહાટી, તા.30 માર્ચ-2023, ગુરુવાર
ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કથિત રીતે તેમના મોબાઈલ પર અશ્લિલ વીડિયો જોતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ ભાજપના ધારાસભ્યની ચારેકોર ટીકા થઈ રહી છે. આ વીડિયો પૂર્વોત્તર ભારતીય રાજ્યની બાગબાસા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય જાદવ લાલ નાથનો છે, જેઓ વિધાનસભાની અંદર અશ્લિલ વીડિયો જોઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
કોઈક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો
અહેવાલો મુજબ, જ્યારે વિધાનસભામાં રાજ્યના બજેટ અંગેના મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે જાદવ લાલ નાથ અશ્લિલ વીડિયો જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પાછળની સીટ પર બેઠેલા કોઈ વ્યક્તિઓ તેમનો વીડિયો ઉતારી લીધો હતો... વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જે સમયે સ્પીકર અને અન્ય ધારાસભ્યો બોલી રહ્યા હતા, ત્યારે ભાજપના ધારાસભ્ય જાદવ લાલ નાથ તેમના મોબાઈલ પર વીડિયો ક્લિપને સ્ક્રોલ કરી રહ્યા છે, સ્ટોપ કરી રહ્યા છે અને અશ્લિલ દ્રશ્ય દેખાતી ક્લિપને જોઈ રહ્યા છે.
ભાજપે ખુલાસો માંગ્યો
પક્ષના સૂત્રો અનુસાર, આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય પાસેથી ખુલાસો મંગાયો છે તેમજ તેડું પણ મોકલાયું છે. જોકે આ ઘટના અંગે જાદવ લાલ નાથે આરોપો અને વીડિયો અંગે જવાબ આપ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્ર પુરુ થતાં જ જાદવ લાલ વિધાનસભા પરિસરમાંથી જતા રહ્યા હતા...
અગાઉ પણ ભાજપના 2 મંત્રી અશ્લીલ ક્લિપ્સ જોતા પકડાયા હતા
ભાજપના કોઈ નેતા જાહેર સ્થળે પોર્ન જોતા પકડાયા હોય, તેવી આ પ્રથમ ઘટના નથી... અગાઉ વર્ષ 2012માં પણ કર્ણાટકની તત્કાલિન ભાજપ સરકારના 2 મંત્રીઓ રાજ્યની વિધાનસભાની અંદર ફોન પર અશ્લીલ ક્લિપ્સ જોતા પકડાયા હતા અને તેમને રાજીનામું આપી દેવું પડ્યું હતું. તપાસ બાદ બંને મંત્રીઓ લક્ષ્મણ સાવદી અને સી.સી.પાટીલ નિર્દોષ હોવાનું બહાર આવતા પક્ષ દ્વારા તેમની સામે કાર્યવાહી કરાઈ હતી.