ઈતિહાસ રચાયો: આરતી સરન સશસ્ત્ર દળ તબીબી સેવામાં ડિરેક્ટર જનરલનું પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા
Arti Sarin as DGAFMS's DG : ભારત દિવસે ને દિવસે આર્થિક જ નહિ પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ આગળ વધી રહ્યો છે. દેશમાં પુરૂષ-મહિલા સમાનતા માટે સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસ થઈ રહ્યાં છે. આ જ દિશામાં હવે વધુ એક ઉત્તમ દ્રષ્ટાંત સરકારે દેશ સમક્ષ મુક્યું છે. સર્જન વાઇસ એડમિરલ આરતી સરીનને મંગળવારે DGAFMSના આગામી ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડીજીએએફએમએસના વડા તરીકે નિયુક્ત થનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.
DGAFMSના 46મા ચીફ તરીકે ચાર્જ સંભાળતા પહેલા, વાઈસ એડમિરલ સરીને નૌકાદળ અને વાયુસેનામાં ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસ અને પુણેમાં સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ( AFMC)ના ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી.
તેઓ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC), પૂણેમાંથી સ્નાતક થયા હતા. તેમની પાસે રેડિયો ડાયગ્નોસિસ અને રેડિયેશન ઓન્કોલોજીમાં બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે અને તે ગામા નાઈફ સર્જરીમાં ટ્રેઈન્ડ છે. અત્રે નોંધનીય છે કે DGAFMS સંસ્થા દેશના સશસ્ત્ર દળો સંબંધિત દરેક મેડિકલ પોલિસી મામલાની સર્વોપરી સંસ્થા છે અને તે સીધું જ રક્ષા મંત્રાલયને આધીન છે.
ત્રણેય સેનાઓમાં સેવા આપવાનું સન્માન :
ફ્લેગ ઓફિસર સરીનને ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓમાં સેવા આપવાનું દુર્લભ ગૌરવ પ્રાપ્ત છે. તેમણે આર્મીમાં લેફ્ટનન્ટથી કેપ્ટન સુધી, નેવીમાં સર્જન લેફ્ટનન્ટથી સર્જન વાઇસ એડમિરલ સુધી અને એરફોર્સમાં એર માર્શલ તરીકે પણ સેવા આપી છે.
તેમની વિશિષ્ટ સેવા બદલ 2001માં ચીફ ઓફ નેવલ સ્ટાફ કમેન્ડેશન, 2013માં જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ કમેન્ડેશન, 2017માં ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશનથી પણ નવાજવામાં આવ્યા હતા. વાઈસ એડમિરલ સરીનને 2021માં વિશિષ્ટ સેવા મેડલ અને 2024માં અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે તેમને કોલકત્તા રેપકાંડ બાદ મેડિકલ પ્રોફેશનલ્સ માટે સેફ્ટી-સિક્યોરિટી પ્રોટોકોલ બનાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં અદાણીના પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું, પરંતુ શું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ?: રાહુલ ગાંધી